Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ટંકારામાં બાકડા મુકવા મુદ્દે બે જુથ વચ્ચે અથડામણ થયા બાદ ૨૯ શખ્સોની ધરપકડઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

મોરબી એસ.પી. જયપાલસિંહએ બન્ને જુથના આગેવાનો સાથે મીટીંગ યોજી શાંતિ જાળવવા અપીલ કરી

ટંકારા, તા. ૨૧ :. ટંકારામાં ગઈકાલે બાકડા મુકવા પ્રશ્ને બે જુથ વચ્ચે અથડામણ થયા બાદ પોલીસમાં સામસામી ફરીયાદો થઈ છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટંકારામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના નગરનાકા વિસ્તારમાં ગઈકાલે બપોરે સરકાર દ્વારા મળતા બાકડા મુકવા પ્રશ્ને બે જુથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને આ બઘડાટીને પગલે ટપોટપ દુકાનો બંધ થઈ ગઈ હતી. બનાવની જાણ થતા મોરબી એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી બન્નો જોશી સહિતનો કાફલો ટંકારા દોડી આવ્યો હતો.

આ મારામારીમાં રમજાન કરીમભાઈ, જાવીદ આમદભાઈ, અબ્દુલ હુસેનભાઈ તથા આસીફ દાઉદભાઈને ઈજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. અન્ય ઈજાગ્રસ્તોને મોરબી અને ટંકારા ખસેડાયા હતા. આ બનાવ અંગે રમજાન કરીમ માંડવીયા રહે. ટંકારાએ આરોપીઓ અરજણ, લાલા ભગવાનજી, લાલા ભાણજી, જગા ભાણજી સહિત ૧૬ આરોપીઓ સામે ખૂની હુમલો કર્યાની અને ૧૦ હજારથી ૧૨ હજારની લૂંટ કર્યાની ફરીયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જ્યારે સામે પક્ષે ભરવાડ સમાજના ઈજાગ્રસ્તોને પણ ટંકારાથી રાજકોટ સારવારમાં ખસેડેલ છે. ભરવાડ જુથના અરજણભાઈ ટપુભાઈ ઝાપડાએ આરોપી રમજાન કરીમ માંડવીયા સહિત ૧૩ આરોપીઓ સામે લતીપુર ચોકડીએ આવીને  ખૂની હુમલો કર્યાની ફરીયાદ નોંધાવેલ છે.

આ પ્રકરણમાં પોલીસે બન્ને જુથના ૨૯ શખ્સોની ધરપકડ કરી છે.

ગત રાત્રીના મોરબી એસ.પી. જયપાલસિંહ રાઠોડે બન્ને જુથના આગેવાનો સાથે મીટીંગ યોજી શાંતિ જાળવવા અપીલ કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલમાં ટંકારામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.(૨-૧૧)

(12:41 pm IST)