Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમરેલી એસ.ટી. કર્મચારીની પ્રમાણિકતાઃ મુસાફરને રોકડ સાથેનું પાકિટ પરત કર્યું

રાજકોટ તા. ૨૧ : અમરેલી ડીવીઝનના રાજુલા બસ ડેપોમાં છેલ્લા ૨૦ વર્ષથી પોતાની નિષ્કામ ફરજ બજાવતા કર્મચારી એવા અમરાપુરના રહેવાશી કંડકટર ગોરખભાઇ અમરાભાઇ વાળાએ કર્યુ છે. તાજેતરમાં જ રાજુલા - જામનગરની રૂટની એસ.ટી બસમાં ગોંડલ ઉમરાળા રોડ પર રહેતા જયેશભાઇ મોરી પોતાનું આશરે રૂ.૧૫૦૦૦ રૂપિયા તેમજ એટીએમ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના અગત્યના ડોકયુમેન્ટ ભરેલુ પાકીટ પોતાની બેઠક પર ભૂલી બસમાંથી ઉતરી ગયા હતા. આ બસમાં જ ફરજ પર રહેલા ગોરખભાઇને આ પાકીટ મળતા તેમણે ડોકયુમેન્ટના આધારે જરૂરી સરનામું શોધી મૂળ માલીક જયેશભાઇ મોરીને પરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું હતુ.

પોતાની કંડકટર તરીકેની ૨૦ વર્ષની ફરજ દરમિયાન આ પહેલા પણ ગોરખભાઇને મુસાફરો દ્વારા ભૂલી જવાયેલ પાકીટ, સેલ્ફ લખેલો ચેક તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. જે પણ મૂળ માલીકને પરત કરી હતી. આ કામગીરીની અમરેલી એસ.ટી. ડીવીઝનના  અધિકારીઓએ પણ નોંધ લઇને અભિનંદન પાઠવ્યા હતા.

(11:22 am IST)