Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મોરબીના ૧૦૦ કરોડના બોગસ ઇ-વે બીલમાં મહાકૌભાંડમાં રાજકોટ સેસન્સ કોર્ટ દ્વારા નિતિન ભીમાણીના જામીન મંજુર

રાજકોટ, તા.૧૮: મોરબીના કરોડોના બોગસ ઇ-વે બિલના કૌભાંડમાં આરોપી નીતિન પટેલ ઉર્ફે નીતિન કાકાની રાજકોટ ડી.જી.જી.આઈ. વિભાગ દ્વારા ધરપકડ થયા બાદ આરોપી દ્વારા જામીન ઉપર મુકત થવા માટે કરેલી અરજીની સુનાવણી થતા આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ડી.જી.જી.આઈ. રાજકોટ વિભાગને મળેલ ગુપ્ત માહિતીના આધારે બંધ થઈ ગયેલ અથવા બોગસ પેઢીઓના નામે ટેક્ષ ઇનવોઇસ તથા ઇ-વે બિલો પોર્ટલની છટકબારીનો ઉપયોગ કરીને જનરેટ કરવાનું કૌભાંડ ધ્યાને આવેલ. આ બોગસ ટેક્ષ ઇનવોઇસ તથા ઇ-વે બિલો બિલ વગર માલનું વેચાણ કરતાં વીટ્રીફાઇડ ટાઇલ્સના યુનિટો દ્વારા ઉપયોગ કર્યાનું ખૂલતાં ગુજરાત-રાજસ્થાન ડી.જી.જી.આઈ. દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવેલ જેમાં રાજકોટ, મોરબી, ધાંગધ્રા અને અજમેર સહિત ગુજરાતના ૬ તથા રાજસ્થાનના ૨૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવેલ. મહાકૌભાંડમાં મોરબીના માસ્ટર-માઇન્ડ ટ્રાન્સપોર્ટર નીતિન ભીમાણી ઉર્ફે નીતિન કાકાનું નામ ખૂલતાં તેની અજમેર (રાજસ્થાન) મુકામેથી ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપીની પૂછપરછમાં એકલા મોરબી આસપાસના જ ૧૦૦થી વધુ વીટ્રીફાઇડ ટાઇલ્સના યુનિટોના નામ ખુલવા પામેલ. બનાવના તાર મોરબી ટાઇલ્સ ફેકટરીઓ સુધી લંબાતા એક સમયે  મોરબી ટાઇલ્સ એસોસિએશનના હોદ્દેદારો ડી.જી.જી.આઈ. રાજકોટ કચેરીએ દોડી ગયા હતા. આરોપી નીતિન પટેલ ઉર્ફે નીતિન કાકાને જેલ હવાલે કરવામાં આવેલ. ત્યારબાદ જામીન ઉપર મુકત થવા આરોપી દ્વારા રાજકોટ સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ. જે અરજીનો ડી.જી.જી.આઈ. દ્વારા બે-બે વખત લંબાણપૂર્વકનું સોગંદનામું રજુ કરીને સખત વિરોધ કરવામાં આવેલ. ઉપરોકત જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત જામીન માટેના ત્રિપલ ટેસ્ટ ટાંકીને, આરોપીના નામે કોઈપણ પેઢીઓ ન હોઈ અને માત્ર ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરતા હોઈ, આ ગુનામાં ફરિયાદપક્ષ દ્વારા અરજદાર સામે લગાડવામાં આવેલ કલમોની વ્યાખ્યા જોતાં કોઈપણ ગુન્હો બનતો ન હોય તથા માત્ર નિવેદનોના આધારે ધરપકડ કરેલ હોય તથા કાયદાની જોગવાઈઓ બાબતે તર્ક-સંગત દલીલો, રજુઆતો કરી અને વિવિધ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ રાખીને અરજદાર નીતિન પટેલ ઉર્ફે નીતિન કાકાને જામીન ઉપર મુકત કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ હતી. ઉપરોકત બંન્ને પક્ષોની દલીલોના અંતે બચાવપક્ષની દલીલોને માન્ય રાખીને નામદાર રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા અરજદાર નીતિન પટેલ ઉર્ફે નીતિન કાકાને શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો. ઉપરોકત કેસમાં આરોપી વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા એડવોકેટ જયદીપ એમ. કુકડિયા રોકાયેલા હતા.

(3:21 pm IST)