Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઉમેદવારોને પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, સોશ્યલ મીડિયામાં જાહેરાત આપવા માટે શું છે ગાઇડલાઈન?

સોશિયલ મીડિયા, સિનેમા, કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, રેડિયો,અખબાર અને ઈ- પેપર માટે ચુંટણી પંચના નિયમો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : ભારતના ચૂંટણી પંચે ચૂંટણીઓમાં ઉમેદવારોના માધ્યમો મારફતે થતા પ્રચાર માટે-દેખરેખ અને નિયંત્રણ અર્થે રાજ્ય અને જિલ્લાકક્ષાએ MCMC કમિટીનું ગઠન કર્યું છે. સીઈઓ ગાંધીનગરની માર્ગદર્શિકા અનુસાર કચ્છ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી(MCMC)ની રચના કરવામાં આવી છે.

આ કમિટી ટીવી અને અખબારોમાં ઉમેદવારોની જાહેરાત અને પેઈડ ન્યૂઝ અંગે સ્ક્રિનિંગ કરી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને જરૂરી અહેવાલો રજૂ કરે છે. આ અંગેનું વહીવટી કાર્યાલય જિલ્લા માહિતી કચેરી ભુજ, માહિતી ભવન, બહુમાળી ભવનની સામે કાર્યરત છે. જ્યાં ઉમેદવારો કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા સહિત તમામ વિજાણુ માધ્યમમાં તમામ પ્રકારની જાહેરાતો પ્રસિદ્ધ કે પ્રસારિત કરવાની અરજીઓ પર જરૂરી કાર્યવાહી કરી ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ૪૮ કલાકમાં જાહેરાતોની મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ આ વ્યવ્સ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોની જાહેરાતનું નિરીક્ષણ કર્યા પછી કોઈ સુધારા વધારા સૂચવવામાં આવ્યા ન હોય અને બપોરના ૧૨.૦૦ વાગ્યા પહેલા અરજી આપવામાં આવી હોય એવા કેસમાં માત્ર ૨૪ કલાકમાં જાહેરખબરની મંજૂરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આચારસંહિતા દરમિયાન સોશિયલ મીડિયા સહિત વિજાણુ સ્વરૂપમાં કોઈપણ પ્રકારની જાહેરાત માટે એમસીએમસીની મંજૂરી લેવાની રહેશે અને ઈ-પેપરમાં પણ તમામ દિવસોમાં મંજૂરી લેવાની રહેશે. માત્ર અખબારોના કિસ્સામાં મતદાનનો દિવસ અને તેના આગલા દિવસે એમ બે દિવસ માટે સર્ટિફિકેટ લેવું જરૂરી છે.

આ અંગેનું અરજી ફોર્મ જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ ખાતે ઉપલબ્ધ છે. નિયત નમૂનાની અરજી સહિત બધા જ ડોક્યુમેન્ટ બે નકલમાં આપવાના રહેશે. જેમાં જાહેરાતની સીડી, જાહેરાત પ્રોડક્શન ખર્ચ અને પ્રસારણનો વાસ્તવિક ખર્ચ, કોટેશન વગેરે સાધનિક દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.

(1:26 pm IST)