Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મોરબીમાં પીએમ વિશ્વકર્માના લાભાર્થીઓને તાલીમ માટે રજાના દિવસે બોલાવતા ધરમનો ધક્કો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૮: મોરબીમાં પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ તાલીમ માટે મહેન્‍દ્રનગર સ્‍થિત આઈ.ટી.આઈ કચેરી ખાતે પહોંચ્‍યા હતા. પરંતુ આજે જાહેર રજા હોય તાલીમ આપનાર એજન્‍સી દ્વારા રજા રાખવામાં આવતા લાભાર્થીઓને કાળઝાળ ગરમીમાં ધરમના ધક્કા ખાવાનો આવવાનો વારો આવ્‍યો હતો. લાભાર્થીઓએ આવી અણઘડ વ્‍યવસ્‍થા બાબતે પોતાના રોષ ઠાલવ્‍યો હતો.

તાલીમાર્થી જાગળતીબેને જણાવ્‍યું કે, તેઓને ગઈકાલે તાલીમ લેવા માટેના મેસેજ આવ્‍યો હતો અને મેસેજમાં જણાવ્‍યું હતું કે આજે ૧૧ વાગે તાલીમ માટે મહેન્‍દ્રનગર સ્‍થિત આઈ.ટી.આઈ ખાતે ઉપસ્‍થિત રહેવું. જેથી અમે આજે ૧૦:૩૦ વાગ્‍યાથી જ અહીંયા તાલીમ માટે આવી પહોંચ્‍યા હતા. અમે અહીંયા ૧૫૦ જેટલા લોકો તાલીમ માટે આવ્‍યા હતા. પરંતુ તાલીમ આપનાર કોઈ અહીંયા હાજર ન હોય અમારે આ કાળઝાળ ગરમીમાં ધરમના ધક્કા થયા હતા.

વાંકાનેરથી આવેલા અલ્‍પાબેન કડીવારે જણાવ્‍યું કે, વાંકાનેરથી છેક તાલીમ લેવા આવ્‍યા છીએ. પરંતુ અહીં આવતા અમને જાણવા મળ્‍યું કે આજે રજા હોવાથી તાલીમ આપવામાં આવશે નહીં. જો રજાની અમને અગાઉથી જાણકારી આપી હોત તમારે આ ધક્કો ન ખાવો પડ્‍યો હોત.

અન્‍ય તાલીમાર્થીઓએ કહ્યું કે, મહિલાઓ અને પુરુષો છેક હળવદ અને વાંકાનેરથી ધક્કો ખાઈને મોરબી આવ્‍યા છે. આઈ.ટી.આઈના અધિકારી જયેશભાઈ અને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના અધિકારી કે. વી. મોરી સાથે વાત કરતા તેમણે જણાવ્‍યું કે તાલીમની આ કામગીરી થર્ડ પાર્ટી અન્‍ય એજન્‍સીને આપેલ હોય એજન્‍સી દ્વારા જ લાભાર્થીઓને ફોન કે મેસેજ કરવામાં આવ્‍યા હતા. આ અંગે એજન્‍સીને પત્ર લખીને લોકોને હેરાનગતિ ન થાય તે રીતે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવે તેવી સૂચના આપી છે. તો વીડિયો જોતા ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ લાગતા વળગતા વિભાગને જાણ કરીને લોકો સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવે અને લોકોને હેરાન ન થાય તેનું ધ્‍યાન રાખવામાં આવે તેવી સૂચના આપી.

(11:53 am IST)