Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઓનલાઇન કંપનીમાં ઉંચા વળતરની લાલચ આપી ગોંડલના બે ભાઇઓ સહિત પાંચ સાથે ૧૦.૯૧ લાખની ઠગાઇ

ધર્મેન્‍દ્રભાઇ પંડયાની ગોંડલ સીટી પોલીસમાં ઇ.બી.એમ.માં કોલોબ્રેશનમાં કામ કરતી કંપની આઇ.એ.એફ. ફાઇનાન્‍સીંગ તથા ગ્રુપ એડમીન, કંપનીના મેનેજર સહિત ૧૦ મોબાઇલ ધારકો સામે ફરીયાદ

રાજકોટ તા. ૧૮ : ગોંડલના વોરા કોટડા રોડ પર રૈયાણીનગરમાં રહેતા યુવાન તેના ભાઇ, ભત્રીજા સહિત પાંચ લોકોને ઇ. બી. એમ. કોલોબેશનમાં કામ કરતી કંપની આઇ. એ. એફ. ફાઇનાન્‍સીંગ નામની એપમાં જાહેરાત કરી ઓનલાઇન કંપનીમાં ઉંચા વળતરની લાલમ આપી નાણાનું રોકાણ કરાવી રૂા. ૧૦,૯૧,પ૪૮ ની છેતરપીંડી આચરતા ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના વોરાકોટડા રોડ પર રૈયાણીનગરમાં રહેતા ધર્મેન્‍દ્રભાઇ ગીરધરલાલભાઇ પંડયા (ઉ.વ.૪પ) તે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ઇ. બી. એમ. કોલોબ્રેશનમાં કામ કરતી કંપનીમાં આઇ. એ. એફ. ફાઇનાન્‍સીંગ નામની એપ તથા ગ્રુપ એડમીન અને મેનેજર સહિત દસ મોબાઇલ ધારકો સામે ફરીયાદ નોંધાવી છે. ધર્મેન્‍દ્રભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. પોતે તા. ૧૪-૧ પહેલા અગાઉ ત્રણ મહિના પહેલા પોતે પોતાના મોબાઇલમાં યુ-ટયુબ ઓનલાઇનમાંથી એક લીંક ખોલી હતી. જેમાં આઇ. એ. એફ. ફાઇનાન્‍સીંગ નામની એપ હોઇ જે. આઇ. બી. એમ. સાથે કોલોબ્રેશનમાં કામ કરતી કંપની હોઇ અને જેમાં મની ઇન્‍વેસ્‍ટ કરી ઉચુ વળતર આપતા હોઇ તેવી જાહેરાત આપતા પોતે આ જાહેરાતમાં ઉંચુ રીટર્ન મેળવવાના પ્રલોભનમાં આવી જઇ આ એપનો પોતે પાંચ મહિનાથી ઉપયોગ  કરતા હતાં. અને પોતે અલગ-અલગ રીતે કુલ રૂા. ૬,૩પ,ર૬૬ પેટીએમમાંથી અલગ-અલગ કંપનીમાં પૈસા મોકલ્‍યા હતાં. તા. ૧પ-૧ ના રોજ ઓનલાઇન  સરવર ડાઉન કરી કંપની  ઓફ લાઇન થઇ ગઇ અને આ કંપનીમાં અલગ-અલગ લોકો હતાં. જેમાં ગ્રુપના એડમીન તથા મેનેજર સહિત અલગ-અલગ ૧૦ મોબાઇલ નંબર પર વ્‍હોટસ એપમાં મેસેજ દ્વારા વાત થઇ હતી. તા. ૧૪-૧ ના રોજ આ મોબાઇલ નંબર વ્‍હોટસ એપ ગ્રુપમાંથી લેફટ થઇ ગયા હતાં. અને તા. ૧પ-૧ ના રોજ સાઇડ બંધ થઇ ગઇ હતી. અને આજદીન સુધી આ ફોન નંબરો સ્‍વીચ ઓફ આવે છે. બાદ પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા પોતે સાયબર હેલ્‍પ લાઇન નંબર ૧૯૩૦-૧૯૩૦ માં ઓન લાઇન ફરીયાદ કરી હતી. આ ઉપરાંત પોતાના નાના ભાઇ કેતનભાઇ ગીરધરભાઇ પંડયાના આજ ઓનલાઇન એપમાં રૂા. ૧,૪૮,૪પ૬, તેના પુત્ર પ્રિયંકના રૂા. પ૭,૮ર૬, ગોંડલના કમલેશભાઇ રાજેન્‍દ્રપ્રસાદભાઇ મહંતોના રૂા. ૧,૦૦,૦૦૦ તથા અંકુરભાઇ કાંતીભાઇ ગૌસ્‍વામીના રૂા. ૧,પ૦,૦૦૦ મળી કુલ રૂા. ૧૦,૯૧,પ૪૮ નું ઓન લાઇન ફ્રોડ થયુ હોવાનું જાણવા મળ્‍યુ હતું. આ અંગે ગોંડલ બી ડીવીઝન પોલીસે ધર્મેન્‍દ્રભાઇ પંડયાની ફરીયાદ પરથી ઇ. બી. એમ. સાથે કોલોબ્રેશનમાં કામ કરતી કંપની તથા આઇ. એ. એફ. ફાઇનાન્‍સીંગ નામની એપ તથા ગ્રુપના એડમીન, મેનેજર સહિત દસ મોબાઇલ ધારકો સામે આઇ. ટી. એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી. આઇ. જે. પી. ગોસાઇ એ તપાસ હાથ ધરી છે.

(2:26 pm IST)