Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રામનવમી નિમિતે મોરબીની સંસ્‍થાનો અનેરો સંકલ્‍પઃ ૫૦૦ નિરાધારોને અયોધ્‍યા દર્શન માટે લઇ જવાશે

મોરબી,તા. ૧૮: મોરબીમાં વિવિધ પ્રવળત્તિઓથી દેશભાવના જાગળત કરવાના ભગીરથ પ્રયાસો કરનાર યંગ ઇન્‍ડિયા ગ્રુપ દ્વારા રામનવમી નિમિતે એક સંકલ્‍પ લેવામાં આવ્‍યો છે. જેમાં આ વર્ષ દરમિયાન સમયાંતરે મોરબીના નિરાધાર લોકો માટે અયોધ્‍યામાં બિરાજમાન ભગવાન રામલલ્લાનો સાક્ષાત્‍કાર કરાવવા માટે એકદમ નિઃશુલ્‍ક અયોધ્‍યા યાત્રાનાં આયોજનની જાહેરાત કરી છે.

આ અંગે મોરબી યંગ ઇન્‍ડિયા ગ્રુપના મેન્‍ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્‍યું હતું કે, ૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષ બાદ સનાતન હિન્‍દૂ ધર્મના પાલનહાર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામલલ્લા તેમની પાવન જન્‍મભૂમિ અયોધ્‍યામાં બિરાજમાન થતા આખા દેશમાં ખુશીની લહેર વ્‍યાપી ગઈ છે. દેશના દરેક લોકોને ભગવાન રામના દર્શન કરવાની અનેરી ઈચ્‍છા હોય અને ઘણા લોકો અયોધ્‍યામાં રામ દર્શને જઈ પણ રહ્યા છે. પણ જે નિરાધારો હોય તેમને ભગવાન રામ પ્રત્‍યે ભક્‍તિ વ્‍યક્‍ત કરવા અયોધ્‍યા દર્શન કરવાની જબરી મહેચ્‍છા હોય છે. આવા નિરાધારોની ભગવાન રામની ભક્‍તિ કરવાની ઈચ્‍છા મનની મનમાં જ ન રહી જાય અને આવા લોકો અયોધ્‍યામાં બિરાજમાન શ્રીરામલલ્લાના દર્શન કરી શકે તે માટે યંગ ઇન્‍ડિયા ગ્રુપ દ્વારા આજે રામ જન્‍મોત્‍સવ નિમિતે એક સંકલ્‍પ કર્યો છે.

જેમાં ૫૦૦ જેટલા લોકોને આગામી સમયમાં સમયાંતરે અયોધ્‍યા યાત્રા કરાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં નિરાધાર લોકોની યાદી તૈયાર કરી તેમને સંપૂર્ણ ફ્રીમાં અયોધ્‍યા દર્શન કરવા લઈ જવામાં આવશે. આ યાત્રા ચાલુ વર્ષમાં સમયાંતરે યોજવામાં આવશે. અને ગ્રુપ વાઈઝ લોકોને અયોધ્‍યા લઈ જવામાં આવશે. આ માટે રજિસ્‍ટ્રેશન સહિતની તારીખો અને પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

(11:48 am IST)