Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોરબીમાં લુંટ અને મર્ડર કેસના ચાર આરોપીઓને આજીવન કેદ : અન્ય સાત આરોપીઓનો છૂટકારો

મોરબી તા. ૨૫ : નજીક ચાલુ એસટી બસે ફિલ્મી ઢબે લૂંટ કરી આંગણીયા પેઢીના કર્મચારી અને એસટી ડ્રાઈવરની હત્યા કરવાના કેસમાં નવ વર્ષે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે જયારે અન્ય સાતને નિર્દોષ જાહેર કર્યા છે.

ચકચારી બનાવની વિગતો મુજબ મોરબી નજીક નાગડાવાસ પાસે વર્ષ ૨૦૧૦ માં ભુજ તળાજા રૂટની બસમાં મુસાફરોના સ્વાંગમાં લૂંટારૂ ટોળકીએ આતંક મચાવ્યો હતો અને ફિલ્મી ઢબે ચાલુ બસે આંગણિયા પેઢીના કર્મચારી અમૃત ગાલાજી અને એસટી બસના ડ્રાઈવરને ગોળી ધરબી નિર્મમ હત્યા કરી હતી અને આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી ૪૫ લાખની દિલધડક લૂંટ કરી હતી તો આટલેથી ના અટકતા લૂટારૂ ગેંગ દ્વારા બસમાંથી ઉતરી ઈન્ડીકા કારમાં સવાર થયા હતા અને પાટડી નજીક પોલીસ પર ગોળીબાર કરી નાસી ગયા હતા જે લૂંટ વિથ મર્ડર મામલે ૧૩ શખ્શો સામે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ૧૧ આરોપીને દબોચી લીધા હતા અને બે આરોપી ફરાર છે.

૨૦૧૦ ની સાલમાં થયેલા લૂંટ વિથ બનાવના મામલે કોર્ટમાં કેસ ચાલી જતા મોરબી ડીસ્ટ્રીકટ જજે સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે આરોપી રુસ્તમસિંહ ઉર્ફે બબલુ વીરેન્દ્રસિંહ રહે એમપી, આબિદખાન ઉર્ફે સાઓ ઈજમ્તખાન પઠાણ રહે અમદાવાદ, અલ્કેશ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલબીરસિંગ ઉદલસિંહ ભદુરીયા રહે એમપી અને રૂપેન્દ્ર ઉર્ફે રૂપેશ ઉર્ફે બીપીન રામસંગ આસારામ રહે એમપી એ ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તેમજ ચારેય આરોપીને ૧૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

જયારે મોહનસિંગ રૂપસિંગ ઝાલા રહે મહેસાણા, ઘનશ્યામ ઉર્ફે ભોલો ગુણવંત રહે મહેસાણા, કાળુજી ઉર્ફે કાનજી શંકરજી રાજાણી રહે પાલનપુર, રાધેશ્યામ બાબુલાલ રહે પાટણ, નરેશવન પ્રહલાદવન ગૌસ્વામી રહે પાટણ, ગાંડાલાલ નાગરદાર રહે બહુચરાજી અને રામ લખન રામશંકર મોદી રહે. પાલનપુર એ સાત આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે તો બે આરોપી ગોવિંદ ઉર્ફે વિવેક ચિત્રપાલસિંગ રાજાવત રહે એમપી અને દોલતસિંહ ઉર્ફે દોલુભા જગતસિંહ રૂપપુરા રહે. બહુચરાજી એ બે આરોપી હજુ ફરાર છે.

 

(11:35 am IST)