Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ધ્રાંગધ્રામાં પાણી પ્રશ્ને ૧૦ દિ'નું અલ્ટીમેટમ...નિયમિતપણે વિતરણ નહિ થાય તો ૧૧મા દિ'એ સામુહિક આત્મવિલોપન

વોર્ડ નં. ૧ ના રહીશો દ્વારા અવાર-નવારની અનેક રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય જ રહેતા ભભૂકયો રોષ : સુવિધા પુરી પાડવામાં પાલિકા સદંતર નિષ્ફળ રહ્યાનો વસવસોઃ સુધરાઇ સભ્ય કૌશિક પટેલ દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ ઉચ્ચારાઇ ઉગ્ર ચિમકી

વઢવાણ તા. ૩૧ :.. ધ્રાંગધ્રા ખાતે વોડૃ નં. ૧ માં વિવિધ વિસ્તારોના રહીશો ઘણા સમયથી અનિયમિત પાણી વિતરણ વ્યવસ્થાને પગલે કંટાળી ગયા છે, અગાઉની અનેક રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્યને 'શૂન્ય' જ રહ્યુ છે ત્યારે જે ૧૦ દિવસમાં નિયમિત પણે વિતરણ વ્યવસ્થા નહિ ગોઠવાય તો ૧૧ માં દિવસે સામુહિક આત્મ વિલોપન કરવાનું અલ્ટીમેટમ અપાતા જ તંત્રમાં હલચલ મચી જવા પામી છે.

આ અંગે વોર્ડ નં. ૧ ના સુધરાઇ સભ્ય કૌશીકભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ યુ. કો. કો. ઓ. હા. સોસાયટી, પ્રગતિ પાર્ક, વૃંદાવન સોસાયટી, ભગવતધામ ગુરૂકુળના પાછળના વિસ્તારમાં છેલ્લા છ મહીનાથી પીવાના પાણીનું અનિયમિત રીતે વિતરણ થઇ રહ્યું છે... વારંવારની રજૂઆતોથી થાકયા બાદ અગાઉ જે તે વખતે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ ત્યારે નગરપાલિકા દ્વારા લેખિત બાંહેધરી અપાઇ હતી, જેને પણ ત્રણેક મહિનાઓ જેટલો સમય વિતી જવા છતાં પણ હજુ સુધી પીવાના પાણીની સુવિધા પુરી પાડવા માટે કોઇ એકશન પ્લાન તૈયાર નહિ થતા હવે કયારે થશે ? તેવું સૌ કોઇ રહીશો કહેવા લાગ્યા છે. લેખિત બાંહેધરી બાદ પણ ત્રણ-ત્રણ મહિના સુધી લોકસમસ્યાનો નિવેડો ન લાવવો એ કયાંનો ન્યાય?

વધુમાં ઉમેર્યુ છે કે, પાણી પ્રશ્ને અગાઉ અનેક લેખિત - મૌખિક રજૂઆતો કરી ચુકયા છીએ, પણ પરિણામ શૂન્ય જ રહેતા વિશ્વાસ કેમ રાખવો ? એ સૌથી મોટો સવાલ છે ત્યારે જો તા. ૧૦ મી જૂન સુધીમાં પીવાના પાણી માટે નિયમિત પણે વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં નહિ આવે તો ના છૂટકે તા. ૧૧ મી જૂને સવારે ૧૧ વાગ્યે પ્રાંત અધિકારીની કચેરીએ સામાજિક કાર્યકરો ભરતભાઇ રાઠોડ, દિવાન મયુદીનશા ઇસ્માઇલશા, જાકાસણીયા અલ્પેશભાઇ ભવાનભાઇ, રાજેશભાઇ આત્મારામભાઇ પટેલ, અને સુધરાઇ સભ્ય ગોપાલભાઇ કાનાભાઇ મેવાડા ને સાથે રાખી સામુહિક રીતે અગ્નિસ્નાન કરી આત્મ વિલોપન કરીશું.

(1:24 pm IST)