Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વિજયભાઇ ધંધુકામાં: સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં જીલ્લા કક્ષાએ કળશ પૂજન

૩૦ જીલ્લાની ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓને પુનર્જીવીત કરાઇ : મહેસાણામાં નિતીનભાઇ પટેલની ઉપસ્‍થિતિઃ ‘‘સુજલામ સુફલામ'' જળસંચય અભિયાનને એક મહિનો પૂર્ણ

રાજકોટ તા.૩૧: રાજય સરકાર દ્વારા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્‍યક્ષતામાં ‘‘સુજલામ સુફલામ'' જળ સંચય અભિયાનને આજે એક મહિનો પૂર્ણ થયો છે. આજે રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં જીલ્લા કક્ષાએ કળશ પૂજન કાર્યક્રમો યોજાયા છે.

જે અંતર્ગત આજે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદ જીલ્લાના ધંધુકામાં અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની અધ્‍યક્ષતામાં કળશ પૂજન કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

આજે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની પૂર્ણાહૂતિ થઇ છે. રાજયભરમાં નર્મદાના જળ કુંભની પૂજા કરવામાં આવી છે. ૧લી મેથી ૩૧ મે દરમિયાન આ અભિયાનમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારી સંસ્‍થાઓને એવોર્ડ આપી તેમનું સન્‍માન થઇ રહયું છે.

ઉપરાંત તમામ જિલ્લામાં યોજાનારા સમાપન સમારોહમાં તમામ મંત્રીઓ, સંસદસભ્‍યો અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે.

 શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા સુરત ગ્રામ્‍ય ખાતે હાજર રહીને નર્મદાના જળકુંભનું પુજન કરશે.

આ અભિયાન હેઠળ એક અંદાજ મુજબ ૩૦ જિલ્લાની ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓને પુનર્જીવીત કરવામાં આવી છે. પાણીની લાઇનના એરવાલ્‍વની ચકાસણી કામગીરી દરમિયાન ૩૮૫૧૭ એરવાલ્‍વની ચકાસણી અને ૪૫૫૭ એરવાલ્‍વની મરામત પણ કરાઇ છે.

ગોંડલ- રાણસીકી

રાજયના જળાશયો ની પાણી સંગ્રહ શક્‍તિ વધારવા માટે રાજય સરકાર દ્વારા જન-જનને જોડી આરંભવામાં આવેલ સુજલામ-સુફલામ જળ અભિયાન હવે પરિણામ લક્ષી અંતિમ તબક્કામાં પહોંચ્‍યું છે રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાના ગામે ગામ આવેલા ચેકડેમ ખેતતલાવડીઓ ને ઉતારવા અને કેનાલો નદીઓની સફાઈ કરવાના રિપેરિંગની લક્ષ્યાંક આધારિત કામગીરી પૂર્ણતાને આરે છે, ત્‍યારે વિવિધ પ્રકારના કાર્યક્રમો સાથે આ અભિયાનનો પૂર્ણાહુતિ સમારોહ યોજવાનું નક્કી કરવામાં આવ્‍યું છે, રાજકોટ જિલ્લાનો પૂર્ણાહુતિ સમારોહ આવતીકાલ ગુરૂવારે સવારે ગોંડલ તાલુકાના રાણસીકી ગામે યોજવામાં આવશે આ કાર્યક્રમમાં પંચાયત રાજય મંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્‍થિત રહેનાર છે.

જામનગર

જામનગર :  ઠેબા અનુશ્રવણ તળાવ ખાતે આજે રાજયમંત્રી ઇશ્વરભાઇ (અનિલભાઇ) રમણભાઇ પરમાર, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વલ્લભભાઇ ધારવિયા, ચિરાગભાઇ કાલરીયા, પ્રવિણભાઇ મુસડીયા, મેયર પ્રતિભાબેન કનખરા, મુળજીભાઇ વાઘેલા, વી.પી. પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો છે.

સુરેન્‍દ્રનગર

વઢવાણઃ સમગ્ર રાજયમાં સફળતાપૂર્વક ઉજવાઈ રહેલા સુજલામ-સુફલામ જળ સંચય યોજનાનો સમાપન સમારોહ સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ખાતે આ પ્રસંગે રાજયના ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહેશે અને  પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ પણ ઉપસ્‍થિત રહ્યા છે.

આ સમાપન પ્રસંગે ૧૦૮ યુગલો નર્મદા કળશનું પૂજન કરશે. આ માટે ૧૦ માટીના કળશ તૈયાર કરવામાં આવ્‍યા છે. નર્મદા જળ પૂજન માટે  નર્મદા અષ્‍ટકમ પાઠ તૈયાર કરવામાં આવશે. આની સાથોસાથ આ જળ સંગ્રહ અભિયાનમાં વપરાયેલા જેસીબી, ટ્રેકટર તથા અન્‍ય સાધનોનું ડીસ્‍પ્‍લે પણ કરવામાં આવશે.

અમરેલી

અમરેલી : સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંચય સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજયના સ્‍થાપના દિન તા.૧ મે-ગુજરાત ગૌરવ દિનથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ અભિયાન એ જળ અભિયાન નહી પરંતુ જળ આરાધના બની રહ્યું છે.

આરોગ્‍ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્‍થિતિમાં ગુરૂવારના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે સવારે ૮.૩૦ વાગ્‍યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્‍તે દાતાશ્રીઓનું સન્‍માન કરવામાં આવશે. 

મોરબી

મોરબી : રાજય સરકાર દવારા સુઝલામ સુફલામ યોજના હેઠળ ગત તા.૧લી મે ગુજરાત  ગૌરવદિન થી રાજયવ્‍યાપી પ્રારંભ કરેલ આ જળસંચય અભિયાનનો મોરબી જિલ્લાનો સમાપન કાર્યક્રમ સ્‍વર્ણીમ ગુજરાત ૫૦ મુદા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષ શ્રી આઇ.કે. જાડેજાની પ્રેરક ઉપસ્‍થિતિમાં આજે સવારના ૯-૦૦ કલાકે હળવદના સામતસર તળાવ ખાતે  યોજાયો છે. જેમાં નર્મદા જળથી ભરેલ ૧૧ કળશનું પૂજન કરાશે. અને સારા વરસાદ તેમજ જળથી તળાવ કુવાઓ ભરાઇ જાય તેવી પ્રાર્થના કરાશે.

આ સમાપન કાર્યક્રમમાં બ્રાહ્મણો દવારા થનાર  પૂજનમાં શ્રી આઇ.કે.જાડેજા, જિલ્લા કલેકટરશ્રી આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિકારીશ્રી જયપાલસિંહ રાઠોડ સહિત જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.

(12:22 pm IST)