Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

કોડીનારના પીછવી ગામે મુસ્લિમ પરિવારને મારકૂટ સંદર્ભે પોલીસની નીતિ સામે પીટીશન

મુસ્લિમ એકતા મંચે અરજી કરતા હાઇકોર્ટ દ્વારા તપાસનો આદેશ

કોડીનાર, તા. ૩૦ : મુસ્લિમ સમાજ માટે કાયદાકીય અને સંવૈધાનિક લડત લડતા સંગઠન મુસ્લિમ એકતા મંચ દ્વારા હાઇકોર્ટમાં પોલીસ તપાસમાં ઢીલી નીતિ સામે સ્પેશ્યલ પીટીશન કરાઇ હતી, જેના પગલે હાઇકોર્ટ એ પોલીસના ઉચ્ચ અધિકારી પાસે તપાસ કરાવી અને ચીફ જયુડીશીયલ કોર્ટને તપાસનું મોનીટરીંગ કરવા આદેશ કરાયો હતો.

સમગ્ર મામલાની વિગત એવી છે કે થોડા સમય પહેલા કોડીનાર તાલુકાના પીછવી ગામે રહેતા મુસ્લિમ પરિવારની મહિલાઓ સાથે કોઇ કારણોસર તેજ ગામના પુરૂષો દ્વારા મારામારી કરવામાં આવી હતી અને તેના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

આ સદર બનાવની એફ.આઇ.આર. નોંધાયા બાદ બે માસ જેટલો સમય થવા છતાં કોઇ કારણોસર પોલીસની તપાસમાં ઢીલી નીતિ રાખી આરોપીઓની ધરપકડ પણ કરાઇ નથી. સમગ્ર મામલે જીલ્લા કક્ષાએ રજુઆતો કરવા છતા પરિણામે ઠેર ને ઠેર રહેતા આ મામલે ફરીયાદી કાસમભાઇ સુલેમાનભાઇ શેખ દ્વારા મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝભાઇ પઠાણનો સંપર્ક કરાતા હાઇકોર્ટમાં સોશીયલ પીટીશન દાખલ કરાય હતી. જેના પગલે હાઇકોર્ટએ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસની ઢીલી નીતિ સામે સણસણતો ઓર્ડર કર્યો હતો અને સમગ્ર તપાસ પોલીસના હાઇરેન્ક ઓફીસર પાસ કરાવી તુરંત આરોપીઓની ધરપકડ થાય અને ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટને સમગ્ર મામલે મોનીટરીંગ કરવા ઓર્ડર કર્યો હતો.

આજના ડીઝીટલ યુગમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત સાર્થક કરવા ઘણા પોલીસ ઓફીસરો રાત દિવસ એક કરી કામગીરી કરી રહ્યા છે. તેવામાં અમુક કિસ્સાઓમાં પોલીસની ઢીલી નીતિ સામે પ્રજા નિરાશ થતી જોવા મળે છે. સમગ્ર મામલે હાઇકોર્ટ એ ઓર્ડર કરતા પીડીત પરિવારને પણ આશાનું કિરણ દેખાયું હતું. આ પીટીશન દરમ્યાન હાઇકોર્ટના એડવોકેટ મઝરખાન એમ. પઠાણ રોકાયા હતાં.

(10:17 am IST)