Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાપર વકીલની હત્યા કેસમાં આરોપી તરીકે નિર્દોષના નામો દુર કરો : વિવિધ સમાજોના આગેવાનોની માંગ

ક્ષત્રીય, ગઢવી, મુસ્લિમ, રાજપુત, લોહાણા, જૈન, ગોસ્વામી, ભરવાડ, સઈ સુથાર, લુહાર સુથાર સહિતના સામાજિક સંસ્થાઓના આગેવાનોએ હત્યાના બનાવને વખોડી, પૂર્વ કચ્છ ડીએસપીને ફરિયાદમાંથી ખોટા નામો દુર કરવા આવેદનપત્ર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૮:  રાપરના વકીલ દિનેશભાઈ મહેશ્વરીની હત્યાના કેસમાં થયેલ પોલીસ ફરિયાદ સંદર્ભે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી હતી.

જેમાં હત્યાના આ બનાવને વખોડીને રાપરના જાણીતા રાજકીય આગેવાનો અને તેમના ઉચ્ચ અભ્યાસ કરતા પુત્રોના નામ ખોટી રીતે સંડોવી એફઆઇઆરમા લખાવાયા હોવાની લાગણી વ્યકત કરીને આ લોકોના નામ દુર કરવા માટે પૂર્વ કચ્છ એસપીને લેખિત આવેદનપત્ર અપાયું હતું.

કચ્છ જિલ્લા રાજપુત કરણીસેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, ક્ષત્રીય સમાજના આગેવાન નરેન્દ્રસિંહ જાડેજા (કુંભારડી), બળુભા જાડેજા (કંથકોટ), ભચાઉના પૂર્વ નગરપતિ કુલદિપસિંહ જાડેજા, ગઢવી સમાજના ભગુદાન ગઢવી, ભરવાડ સમાજના ધારાભાઈ ભરવાડ, મુસ્લિમ સમાજના અનવરશા શેખ, લોહાણા સમાજના કાન્તિલાલ ઠક્કર, જૈન સમાજના નવિનભાઈ મોરબિયા, ગોસ્વામી સમાજના હેમગિરિ ગોસ્વામી, રાજપુત સમાજના કુંભાભાઈ શેલોત, લુહાર સુથાર સમાજના સુરેશભાઈ લુહાર, સઈ સુથાર સમાજના હિતેશભાઇ પીઠડીયા અને અન્ય સમાજિક આગેવાનોએ બેઠક યોજયા બાદ પૂર્વ કચ્છ એસપી મયુર પાટિલને લખેલું આવેદનપત્ર રાપર સર્કલ પીઆઈ ડી.એમ. ઝાલાને આપ્યું હતું. બેઠકનું સંચાલન મોરારદાન ગઢવીએ જયારે આભારદર્શન મહેન્દ્રસિંહ વાઘેલાએ કર્યું હતું.

વકીલની હત્યા મામલે દલિત સમાજ દ્વારા વિરોધઃ તટસ્થ તપાસ માટે પોલીસ દ્વારા સીટની રચના

માધાપર, આડેસર, ગાંધીધામ, મંગવાણામાં દલિત સમાજ દ્વારા દેખાવો, તમામ આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૮:બામસેફ્ના કચ્છ જિલ્લાના કન્વિનર અને વકીલ દિનેશભાઈ મહેશ્વરીની રાપરમા થયેલ સરાજાહેર હત્યાના બનાવે કચ્છમાં ઉગ્ર પ્રત્યાઘાતો સજર્યા છે. શુક્રવારે સાંજે બનેલા હત્યાના બનાવ બાદ ૯ જણા સામે પોલીસ ફરિયાદ કરાઈ છે.

જયાં સુધી હત્યારા ન ઝડપાય ત્યાં સુધી અંતિમવિધિ માટે લાશ સ્વીકારવાના ઈન્કાર કરાયો છે. દરમ્યાન પોલીસે હત્યા કરનાર ભરત જયંતિલાલ રાવલને મુંબઈથી ગઈકાલે ઝડપી પાડ્યો છે.

આ પ્રકરણમાં રાપરના અગ્રણી પ્રવિણસિંહ અલજી સોઢા, વિજયસિંહ સોઢા સહિત અન્ય ૮ આરોપીઓ પકડવાના બાકી હોઈ તમામને પકડી પાડવાની માંગણી કરાઈ છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ હત્યાના આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી હત્યારાઓને ઝડપી પાડવા રજુઆત કરી છે. દરમ્યાન દિનેશભાઈ મહેશ્વરીની હત્યાના તમામ આરોપીઓને પકડી પડવાની માંગ સાથે દલિત સમાજ દ્વારા કચ્છમાં અલગ અલગ સ્થળોએ ઉગ્ર વિરોધ કરાયો છે. માધાપર (ભુજ), આડેસર (રાપર), ગાંધીધામ, મંગવાણા (નખત્રાણા) મધ્યે દલિત સમાજ દ્વારા રસ્તા રોકીને વિરોધ વ્યકત કરાયો હતો.

દરમ્યાન આ ગુનાની તટસ્થ અને ન્યાયી તપાસ માટે કચ્છ બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલિયાની આગેવાની નીચે પોલીસ દ્વારા સાત સભ્યોની સીટની સમિતિની રચના કરાઈ છે. જેમાં આઈજી જે.આર. મોથાલિયા, કન્વિનર તરીકે પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ, તપાસનીશ અધિકારી તરીકે પૂર્વ કચ્છ ડીવાયએસપી વી.આર. પટેલ, સભ્ય તરીકે પાટણના ડીવાયએસપી જે.ટી. સોનારા, રાપર સર્કલ ઇન્સ્પેકટર ડી.એમ. ઝાલા, રાપર પીએસઆઈ સી.બી. રાઠોડ, અંજાર પીએસઆઈ એમ.એમ. જોશીનો સમાવેશ કરાયો છે.

(11:57 am IST)