Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કચ્છના રાપરના વકીલની હત્યા કેસમાં આરોપી તરીકે નિર્દોષના નામો દુર કરો- વિવિધ સમાજોના આગેવાનોની માંગ : ક્ષત્રીય, ગઢવી, મુસ્લિમ, રાજપુત, લોહાણા, જૈન, ગોસ્વામી, ભરવાડ, સઈ સુથાર, લુહાર સુથાર સહિતના સામાજિક સંસ્થાઓના આગેવાનોએ હત્યાના બનાવને વખોડી, પૂર્વ કચ્છ ડીએસપીને ફરિયાદમાથી ખોટા નામો દુર કરવા આવેદનપત્ર અપાયું

(ભુજ) રાપરના વકીલ દિનેશભાઈ મહેશ્વરીની હત્યાના કેસમાં થયેલ પોલીસ ફરિયાદ સંદર્ભે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં હત્યાના આ બનાવને વખોડીને રાપરના જાણીતા રાજકીય આગેવાનો અને તેમના ઉચ્ચ અભ્યાસ કરતા પુત્રોના નામ ખોટી રીતે સંડોવી એફઆઇઆરમા લખાવાયા હોવાની લાગણી વ્યક્ત કરીને આ લોકોના નામ દુર કરવા માટે પૂર્વ કચ્છ એસપીને લેખિત આવેદનપત્ર અપાયું હતું. કચ્છ જિલ્લા રાજપુત કરણીસેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, ક્ષત્રીય સમાજના આગેવાન નરેન્દ્રસિંહ જાડેજા (કુંભારડી), બળુભા જાડેજા (કંથકોટ),   ભચાઉના પૂર્વ નગરપતિ કુલદિપસિંહ જાડેજા, ગઢવી સમાજના ભગુદાન ગઢવી, ભરવાડ સમાજના ધારાભાઈ ભરવાડ, મુસ્લિમ સમાજના અનવરશા શેખ, લોહાણા સમાજના કાન્તિલાલ ઠક્કર, જૈન સમાજના નવિનભાઈ મોરબિયા, ગોસ્વામી સમાજના હેમગિરિ ગોસ્વામી, રાજપુત સમાજના કુંભાભાઈ શેલોત, લુહાર સુથાર સમાજના સુરેશભાઈ લુહાર, સઈ સુથાર સમાજના હિતેશભાઇ પીઠડીયા અને અન્ય સમાજિક આગેવાનોએ બેઠક યોજ્યા બાદ પૂર્વ કચ્છ એસપી મયુર પાટિલને લખેલું આવેદનપત્ર રાપર સર્કલ પીઆઈ ડી.એમ. ઝાલાને આપ્યું હતું. બેઠકનું સંચાલન મોરારદાન ગઢવીએ જ્યારે આભારદર્શન મહેન્દ્રસિંહ વાઘેલાએ કર્યું હતું.

(9:46 am IST)