Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વેરાવળના કાજલી યાર્ડમાં ઘઉં-ધાણા, ચણા, બાજરાની ધુમ આવક

પ્રભાસ પાટણ તા. ર૬ :.. વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડની અંદર ઘઉં, ધાણા, ચણા, બાજરો, જુવાર, રાય, કાંગ સહિતના જણસોની ધુમ આવકો થઇ રહેલ છે. જેમાં સૌથી વધુ આવક ઘઉની છે. આખુ યાર્ડ ભરાયેલ છે. કાજલી યાર્ડ વિશાળ અને માલ રાખવા માટેના મોટા શેડ આવેલ હોવાને કારણે ખેડૂતો અને વેપારીઓને સગવડતા રહે છે. અને ખેડૂતોનો કિંમતી માલ-સામાન વ્‍યવસ્‍થિત સચવાય છે. તેમજ યાર્ડ નેશનલ હાઇવે રોડ ઉપર વિશાળ જગ્‍યામાં આવેલ હોવાથી ટ્રાફીકનો પ્રશ્ન થતો નથી અને વાહનો લાવવામાં સરળતા રહે છે.

મોસમની શરૂઆત થતાની સાથે માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન ગોવિંદભાઇ પરમારે ખેડૂતોને કોઇ જાતની મુશ્‍કેલી ન પડે અને સારા ભાવ મળી રહે તે માટે વેપારીઓની બેઠક બોલાવેલ હતી અને જણાવેલ કે ખેડૂતોને સારા ભાવની સાથે તેમના માલ સામાનનો કોઇ જાતનો બગાડ ન થાય તે પણ જણાવેલ હતું. વેપારીઓ પણ ખેડૂતોના માલનો જરા પણ બગાડ ન થાય તે રીતે વજન કાંટો કરે છે. તેમજ આખા યાર્ડનાં તળીયામાં આર. સી. સી. કરેલ હોવાથી અનાજ અને અન્‍ય વસ્‍તુઓ બગાડ થતો નથી અને તમામ માલ આસાનીથી ભરી શકાય છે તેમજ યાર્ડનાં ચેરમેનની દેખરેખ હેઠળ યાર્ડનાં સેક્રેટરી અને તમામ સ્‍ટાફ જહેમત ઉઠાવે છે.

(10:17 am IST)