Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

ભવનાથમાં વધુ એક સાધુને દિપડાએ ફાડી ખાતા હાહાકાર

વહેલી સવારે નિંદ્રાધીન સાધુને મોતને ઘાટ ઉતારીને દિપડો જંગલમાં પલાયન

જુનાગઢઃ તસ્વીરમાં મૃતક સાધુનો મૃતદેહ તથા ઘટના સ્થળે પોલીસ અને વન વિભાગની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ, તા., ૨૫: ભવનાથમાં આજે વહેલી સવારે વધુ એક સાધુને દિપડાએ ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે.

નિંદ્રાધીન સાધુને મોતને ઘાટ ઉતારી દિપડો નાસી ગયો હતો. આ દિપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

જુનાગઢના ભવનાથમાં મહંત શ્રી શેરનાથ બાપુના આશ્રમની સામે આવેલ છે. ડોમ નજીક આજે વહેલી સવારે બે થી ત્રણ વાગ્યાના અરસામાં જંગલમાંથી આવી ચડેલા  દિપડાએ એક નિંદ્રાધીન સાધુને ફાડી ખાધા હતા.

આ સાધુ ડોમ પાસે ખુલ્લામાં સુતા હતા અને દિપડાએ તેમના ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારીને દિપડો જંગલ તરફ નાસી ગયો હતો.

આ અંગે જાણ થતા ભવનાથના પીએસઆઇ પ્રકાશ ધોકડવા તેમજ જંગલ ખાતાનો સ્ટાફ દોડી ગયો હતો.

પીએસઆઇ શ્રી ધોકડવાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે આ ઘટના વહેલી સવારના ર થી ૩ વાગ્યાની વચ્ચે છે. મૃતક સાધુની ઉંમર ૪૦ થી ૪પ વર્ષની આસપાસ હોવાનું જણાય છે.

શ્રી ધોકડવાએ વધુમાં જણાવેલ કે મરનાર સાધુ ડોમની નજીક ખુલ્લામાં સુતા હતા અને દિપડાએ તેમને ફાડી ખાધા હતા. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક સાધુની ઓળખ થઇ નથી. પરંતુ દિપડાએ આ સાધુને ર૦૦ મીટર દુર લઇ જઇને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જાણવા મળેલ છે.

ગત સપ્તાહમાં ગિરનારનાં ર૦૦ પગથીયા ખાતે આ સાધુને નિંદ્રાધીન હાલતમાં જ દિપડાએ ફાડી ખાધા હતા. જેની હજુ શાહી સુકાઇ નથી ત્યાં વધુ એક સાધુ દિપડાનો શિકાર થતા ભવનાથ વાસીઓમાં ફફડાટ સાથે ભય વ્યાપી ગયો છે.

(11:38 am IST)