Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભચાઉના શિકારપુર ગામે મુસ્લિમ યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં ક્ષત્રિય યુવાનની હત્યા

સમાધાનના બહાને બે ભાઈઓને બોલાવ્યા બાદ મોટાભાઈને માર મારી ફેંકી દઈ નાના ભાઈનું અજ્ઞાત સ્થળે ગળું કાપી લાશ ગામમાં મંદિર પાસે ફેંકી

ભુજ,તા.૨૨: ભચાઉના શિકારપુર ગામે બનેલ ઓનર કિલિંગના બનાવે ચકચાર સર્જી છે. ગામમાં રહેતા ૨૦ વર્ષીય ક્રિપાલસિંહ બહાદુરસિંહ જાડેજાને ગામની જ મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને જણા બે દિવસ પહેલા ઘર છોડી નાસીને બાજુમાં આવેલા મામાયમોરા ગામે રહેવા ચાલ્યા ગયા હતા.

જોકે, આ બનાવ બાદ ક્ષત્રિય પરિવાર બન્નેને સમજાવીને ઘેર લાવ્યો હતો અને યુવતીને તેના પરિવારને પરત સોંપી દીધી હતી. પણ, યુવતીના ભાઈઓ ઇમરાન શેરમામદ ત્રાયા અને મુસ્તાક રસુલ ત્રાયા આ ક્ષત્રિય પરિવારના ભાઈઓને ફોન કરી તેમના ઘર પાસે આવીને તેમને બહાર બોલાવી સમાધાન માટે વાત કરી ગાડીમાં બેસવા જણાવ્યું હતું. એટલે રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા તેમના નાના ભાઈ ક્રિપાલસિંહને લઈને આરોપીઓ સાથે ગયા. દરમ્યાન ઇમરાન અને મુસ્તાકે રસ્તામાં અપશબ્દો ભાંડી રાજેન્દ્રસિંહને માર મારી છરીની અણીએ ધક્કો મારી ગાડીની બહાર ફેંકી દઈને ક્રિપાલસિંહને ઉઠાવી ગયા હતા.

ઘેર આવીને ક્ષત્રિય પરિવારે અપહૃત કરાયેલા ક્રિપાલસિંહની શોધ ચલાવી હતી. પણ, તે વચ્ચે હત્યારાઓ શિકારપુર ગામના રામજી મંદિરના ચોકમાં કૃપાલસિંહની ગળું કાપેલી લાશ ફેંકી નાસી છૂટ્યા હતા. પ્રેમ પ્રકરણમાં ઓનર કિલિંગની આ હત્યાની ઘટનાએ શિકારપુર સહિત વાગડમાં ચકચાર સાથે ચર્ચા સર્જી છે.  દરમ્યાન સામખીયાળી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એ.પી. જાડેજા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે. તો, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી શાંતિ ન ડહોળાય તેની તકેદારી રાખી છે. પોલીસે બન્ને હત્યારાઓ પૈકી એકને રાઉન્ડઅપ કરી લીધો છે જયારે બીજો આરોપી કાર સાથે ફરાર છે.

(11:03 am IST)