Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ પુનઃ ધમધમતું કરી સરકાર બેરોજગાર બનેલા હજારો ગ્રામજનોને ન્યાય આપેઃ મુખ્યમંત્રીના દ્વાર ખખડાવાયા

ફોરેસ્ટ વિભાગે મરીન સેન્કચ્યુરીમાં યાર્ડની જમીન આવતી હોવાનો વાંધો ઉઠાવેલોઃ ઓન પેપર આ વાંધો ઉડી જતો હોવાથી ફરી યાર્ડ ધમધમતુ કરી શકવાના ઉજળા સંજોગો પરંતુ સરકારની ઉદાસીનતાથી આસપાસના અસંખ્ય ગામોના બેરોજગાર લોકોની આંતરડી કકડી રહી છે

જામનગર, તા., ૨૧: જામનગર તાલુકાના સચાણા શીપ બ્રેકીંગ યાર્ડમાં શીપ બ્રેકીંગની કામગીરીને ફોરેસ્ટ વિભાગનું ગ્રહણ લાગ્યા બાદ આ મુદ્દાનું 'ઓન રેકોર્ડ' નિરાકરણ આવી ગયા છતા ફરીથી શીપ બ્રેકીંગ યાર્ડ ધમધમતું કરવા માટે સરકારની ઉદાસીનતાથી સચાણા, જાબુંડા, ખીરી,બાલાચડી અને આસપાસના ૧૦ થી ૧પ હજાર બેરોજગાર લોકોની આંતરડી કકડી રહી છે. આ મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુધી રજુઆત કરી બેરોજગારોને ન્યાય અપાવવા મુદસરની રજુઆત કરવામાં આવી છે.

તા.૧૯મીએ થયેલી લેખીત રજુઆતમાં જણાવાયું છે કે શીપ બ્રેકીંગ ઇન્ડસ્ટ્રીઝ વર્ષો સુધી કાર્યરત હતી. જેને લઇને બેરોજગાર બનેલા લોકોનો રોજીરોટીનો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 'મેઇક ઇન ઇન્ડીયા' પ્રોજેકટ અંતર્ગત સચાણા બંદરના વિકાસને વેગ આપે અને ફોરેસ્ટ અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડ વચ્ચેના વિવાદનો અંત આવી જાય તે જરૂરી છે. સરકારી તંત્રની નિંભરતાને કારણે બેરોજગારી મોઢુ ફાડે તે સરકારના હિતમાં નહિ રહે તેવી આડકતરી ચીમકી પણ ગ્રામજનો ઉચ્ચારી રહયા છે.

ઉલ્લેખનીય છે કે સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ૧૯૭૭થી ર૦૧ર સુધી ધમધમતું હતું આ ગાળા દરમીયાન વન વિભાગ દ્વારા ગુજરાત મેરી ટાઇમ બોર્ડને હાઇકોર્ટમાં ખેંચી જઇ પોર્ટ વિસ્તાર પોતાની હેઠળની મરીન સેન્કચ્યુરીમાં આવતો હોવાનો વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. આ વિવાદથી હાઇકોર્ટમાં તા.૧૧-પ-ર૦૧રના રોજ હુકમ કરવામાં આવ્યો હતો કે વિવાદ સંદર્ભે અધિકૃત ઓથોરીટી કોર્ટમાં કલીયરન્સ રજુ ન કરે ત્યાં સુધી શીપ બ્રેકીંગ યાર્ડની કામગીરી રોકી દેવામાં આવે.

સચાણા શીપ બ્રેકીંગ યાર્ડનો સમાવેશ ખરેખર મરીન સેન્કચ્યુરીમાં થાય છે કે કેમ? તે પ્રશ્ન મહત્વનો છે.આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે વાઇલ્ડ લાઇફ(પ્રોટેકશન)એકટ  ૧૯૭રના કાયદાની કલમ ૧૮(૧) થી ર૬ ની જોગવાઇઓ મુજબ કાર્યવાહી થઇ છે કે નહિ? તથા મરીન સેન્કચ્યુરીના નોટીફીકેશન, તેનું આખરી સેટલમેન્ટ એવોર્ડ, તેની ચતુર દિશા અને અધિકૃત નકશો ઓથોરાઇઝડ એજન્સીના સહી-સિક્કાવાળો હોવો જોઇએ.  તેના બદલે વનવિભાગે કોઇ પણ જાતના આધાર પુરાવા વગર જબ્બરજસ્તી લોકોની રોજી રોટી છીનવાઇ જાય તે રીતે પોતાની રજુઆત સાચી ગણાવવા માંગે છે અને કલેકટરશ્રી જામનગરના હુકમનો અનાદર કરી રહયા છે તેવું બેરોજગાર ગ્રામજનોએ લેખીત રજુઆતમાં જણાવ્યું છે.

રજુઆતમાં આગળ જણાવાયું છે કે મરીન સેન્કચ્યુરી ૧૯૮૦માં જાહેર થઇ છે જયારે અનામત જંગ ૧૯૭૬માં જાહેર થયા છે. નોટીફીકેશનમાં બ્લોક નં. પ૦ નગરનાર જંગલ (જેમા સચાણા શીપયાર્ડ આવે છે) ની ચતુર્શ દિશા સરખી છે. ર૦૧પમાં એફએસઓ  (ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફીસર) જુનાગઢ દ્વારા અનામત જંગલ ૧૯૭૬ આખરી સેટલમેન્ટ એવોર્ડ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં સચાણા શીપયાર્ડનો સમાવેશ થતો નથી તેવું જણાવેલ. વન વિભાગ દ્વારા એફએસઓના એવોર્ડ સામે કલેકટર જામનગર સમક્ષ અપીલ થઇ હતી અને ૧૮ ઓગષ્ટ ર૦૧૮ના રોજ કલેકટર દ્વારા અપીલ ઉડાવ દઇ એફએસઓનો હુકમ કાયમ રખાયો હતો.

જયારે અનામત જંગલના નોટીફીકેશન અને મરીન સેન્કચ્યુરીના આખરી સેટલમેન્ટ એવોર્ડની ચર્તુશ દિશા એકસરખી જ હોય તો  જે અનામત જંગલ બહાર હોય તે મરીન સેન્કચ્યુરીની ચર્તુશ દિશાથી બહાર જ હોય અને અધિકૃત નકશો પણ એક સરખો જ બને તે સ્વભાવીક છે. ગ્રામજનો કહે છે કે દુઃખની વાત એ છે કે વન વિભાગ પાસે કોઇ અધિકૃત આધાર પુરાવા નથી અને કોમ્પીટંન્ટ ઓથોરીટી  જામનગર કલેકટરશ્રીને વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ ૧૯૭રના કાયદામાં સિવિલ જજની સતા આપવામાં આવેલ છે. તેમણે હુકમ કર્યો પહેલા જાતે સચાણા ગામ તથા સચાણા શીપયાર્ડની મુલાકાત લીધી હતી અને આજુબાજુના ગામના લોકો, વન વિભાગ અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડના અધિકારીઓને સાથે રાખી નોટીફીકેશનની  ચર્તુશ દિશા મુજબ સ્થળ તપાસ કરી હુકમ કર્યો હતો. છતા પણ હુકમને વન વિભાગ માન્ય રાખતો નથી. આરટીઆઇના જવાબમાં પણ વન વિભાગે પોતાની પાસે અધિકૃત નકશો નહિ હોવાનું જણાવ્યું છે ત્યારે વન વિભાગ પોતાની હકિકત જાણે છે છતાં વિભાગની ભુલો છુપાવવા બીજા વિભાગોને ગેરમાર્ગે દોરે છે.

સચાણા, જાંબુડા, ખીરી, બાલાચડી તથા આજુબાજુના ગામના લોકો માટે શીપ બ્રેકીંગ તેમના જીવન નિર્વાહનું સાધન છે, રોજીરોટી છે. જયારે વન અને મેરી ટાઇમ બોર્ડ વિભાગ માટે આ જગ્યા એક જમીનનો ટુકડો માત્ર છે.

સચાણા શીપ બ્રેકીંગ યાર્ડની જગ્યા સેન્કચ્યુરીની હદ બહાર જ છે. આ વિસ્તારમાં ભૌગોલીક પરિસ્થિતિ મુજબ પ્રાણી જીવન, વનસ્પતિ જીવન, ભૂપૃષ્ટ્રીય પ્રાકૃતિક અને પ્રાણી વિજ્ઞાનની દ્રષ્ટિએ પુરતુ મહત્વ ધરાવે છે. સ્થિતિની સાચવણી, સંવર્ધન અને વિકાસ હેતુસર ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગે તા.રર-૮-ર૦૧૩ના 'ઇકો સેન્સેટીવ ઝોન' જાહેર કર્યો હતો. આ ઝોનની અંદર પણ શીપ બ્રેકંીંગ પ્રવૃતિને મંજુરી આપવામાં આવી છે. સરકારના અધિકારીઓ એવુ માને છે કે શીપ બ્રેકીંગ યાર્ડમાંથી સરકારને બહુ આવક થતી નથી. આવા અધિકારીઓ પ્રવૃતિને નફા-નુકશાનની દ્રષ્ટિથી જોવે છે. પરંતુ તેઓ એ જાણવા તૈયાર નથી કે ૧પ૦૦૦ લોકોના પરીવારોના પેટ ઉપર પાટુ મારી રહયા છે.

અંતમાં તેઓ જણાવે છે કે, વિવાદ  લગભગ પુરો થઇ ગયો છે. છેલ્લી સ્થિીત મુજબ આ વિસ્તાર ફોરેસ્ટમાં એટલે મરીન સેન્કચ્યુરી હેઠળ આવતો ન હોવાનુ તારણ નીકળ્યા બાદ ફોરેસ્ટ પોતાની ભૂલ દબાવી દેવા માટે તો જી.એમ.બી. અકળ કારણોસર હાથ પર હાથ ધરી બેઠા છે જે બેરોજગારોના પેટ ઉપર પાટા સમાન છે. તેવી ઉગ્ર રજુઆતો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુધી પહોૅચી છે.

(3:31 pm IST)