Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જેતલસર આરોગ્ય કેન્દ્ર મેડીકલ ઓફિસર વિહોણુ !!

દર્દીઓની કફોડી હાલત જોઇ ખુદ પંચાયત સદસ્ય હંસાબેન વૈષ્ણવે તાત્કાલીક મેડીકલ ઓફીસર મુકવા માંગણી કરવી પડી

જેતલસર, તા.૨૧:આજુબાજુના દસેક ગામની આરોગ્ય સવલતો માટે ખુબ ઉપયોગી એવા જેતલસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમય થયા મેડિકલ ઓફિસરના અભાવે દર્દીઓ પારાવાર હેરાન પરેશાન થઇ રહ્યા છે જો કે આરોગ્ય કેન્દ્રમાં હાલના દિવસોમાં આયુષ મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા ગાડું ગાબડાવાઈ રહ્યું છે પણ સરવાળે આરોગ્ય કેન્દ્રની એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત હોય, ઉચ્ચ આરોગ્ય સત્ત્।ાવાળાઓ તાકીદે અહીં કાયમી મેડિકલ ઓફિસરની નિમણુંક કરે તેવી રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવે આરોગ્ય સચિવ અને કમિશ્નરને ગાંધીનગર ખાતે રજૂઆતો કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વર્ષો થયા આજુબાજુના ડેડરવા, રામટીમ્બડી, રૂપાવટી, બાવાપીપળીયા, નવી જૂની સાંકળી, અકાલા, પીપળવા, જેતલસર જંકશન અને ગામના લોકો આરોગ્ય લક્ષી સેવાઓ મેળવી રહ્યા છે. અહીં ખંઢેર થયેલા આરોગ્ય કેન્દ્રને સરકારે પુનઃ બેઠું કરી આરોગ્ય સેવાઓ ધમધમતી કરી છે.

પણ ખાટલે માંડી ખોટની જેમ અહીં કોઈ મેડિકલ ઓફિસર લાંબો સમય ટકતા ના હોય, દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠીને અન્ય ખાનગી તબીબી સારવારનો મોંદ્યો દાટ સહારો લેવો પડે છે. વર્તમાન સમયની જ વાત કરીયે તો અહીંના આરોગ્ય કેન્દ્રમાં કોઈ એમબીબીએસ મેડિકલ ઓફિસર નથી. અહીં વિશાલ ટ્રેનિંગ સેન્ટર પણ છે. પરંતુ ઉચિત મેડિકલ ઓફિસરના અભાવે આયુષ મેડિકલ ઓફિસરથી આરોગ્ય સેવાઓ ચલાવવી પડે છે.હાલના દિવસોમાં આયુષ મેડિકલ ઓફિસર તરીકે ડો.કાછડીયા સેવા બજાવી રહ્યા છે પણ ડેન્ગ્યુ અને કોંગો જેવા ગંભીર રોગો સમયે જયારે ખુદ આયુષ મેડિકલ ઓફિસરને આરોગ્ય કેન્દ્ર છોડી જે તે ગામડાઓમાં ટીમને લઇ જવું પડતું હોય ત્યારે આરોગ્ય કેન્દ્ર પાછળથી રેઢું પડ થઇ જાય છે જેનો ભોગ દર્દીઓને બનવું પડે છે.

જેતલસર ગામના સરપંચ પિયુષભાઇ ઠુંમરે પણ રોષ વ્યકત કરી જણાવ્યું છે કે, ગામના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક કાયમી મેડિકલ ઓફિસરની નિમણુંક કરવી જરૂરી છે. તો જેતલસર બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવે ગાંધીનગર ખાતે આરોગ્ય સચિવ અને કમિશ્નરને લિખિત રજૂઆતો કરી જેતલસર આરોગ્ય કેન્દ્રમાં પડતી દર્દીઓની મુશ્કેલી દૂર કરી કાયમી મેડિકલ ઓફિસરની નિમણુંક કરવા માગ કરી છે.

(11:32 am IST)