Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કુવાડવા મુકામે વસંત બહાર પાસે મામાની હત્યાના ગુનામાં પકડાયેલ ભાણેજ સહિત બેનો છુટકારો

રાજકોટ, તા. ર૦ : કુવાડવા મુકામે વસંત બહાર પાસે મામાના થયેલ ખૂનના ગુન્હામાં આરોપી ભાણેજને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી ડીસ્ટ્રીકટ કોર્ટે છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, તા. ૧પ-૬-ર૦૧૬ના રાત્રીના ૭-૩૦ વાગ્યે રામુબેન જીલુભાઇ બાહુકીયાના પુત્ર કરશન સાથે દારૂ વેંચવા બાબતે આરોપી ભત્રીજા રવિ હકાભાઇ કુકાવા તથા જમાઇ સદામ સાથે બોલાચાલી થતાં બન્ને જણાએ ઢીકાપાટુનો માર મારી પછાડી દઇ મરણ જનાર કરશનને ખેતીનું ઓજાર ખપાડી વતી માથાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી અવાવરૂ કુવામાં ફેંકી દઇ ખૂન નિપજાવી, એકબીજાને મદદગારી કરી પોલીસ કમિશ્નરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ અને પોલીસે ત્યારબાદ તપાસ કરતા તપાસનીશ અધિકારીએ ભત્રીજા રવિ હકાભાઇ કુકાવા તથા સંજય મનસુખભાઇ કોળી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી આઇ.પી.સી. કલમ-૩૦ર, ૧૧૪ તથા જી.પી. એકટ કલમ-૧૩પ કોર્ટમાં રજૂ કરેલ હતું.

આ સમગ્ર કેસ ચાલી જતા રાજકોટના ડીસ્ટ્રીકટ જજશ્રીએ આરોપી રવિ હકાભાઇ કુકાવાને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે અને ઠરાવેલ કે, હાલના ગુન્હામાં સ્થાનિક જગ્યાનું પંચનામાના પંચો, અટક પંચનામાના પંચો, મરણ જનારના કપડા કબ્જે કર્યાના પંચો, ડીસ્કવરી પંચનામાના પંચો તથા સાહેદો ફરી ગયા જાહેર થયેલા છે, તમામ પંચનામાઓ પ્રોસીકયુશન દ્વારા પુરવાર થતા નથી તેમજ જી.પી. એકટની કલમ-૧૩પ(૧) મુજબ ગુન્હો પુરવાર કરી શકેલ નથી તેમજ ફરીયાદી રામુબેનનું અવસાન થઇ ગયેલ છે. તેમજ બનાવ બાદ ઉપરસપંચ સંજયભાઇએ ફોન કરી પોલીસને જાણ કરેલ જે હકીકત રેકર્ડ ઉપર હોવા છતાં પોલીસ કેસમાં તેવી એન્ટ્રી આવેલી નથી તેમજ ઉપસરપંચે બનાવના ત્રણ દિવસ બાદ નિવેદન નોંધવામાં આવેલ છે તેમજ સદામ નામનો વ્યકિત પોલીસ સ્ટેશનમાં હતો તેવો પુરાવો આપેલ હોય ત્યારે કયાં સંજોગોમાં, કેવી રીતે સદામને બનાવમાં આરોપી તરીકે કાઢી નાંખવામાં આવેલ છે તે સ્પષ્ટ હકીકત બતાવેલ નથી. તેમજ કયાં સંજોગોમાં હાલના કેસમાંથી સદામને બાકાત રાખેલ છે જે તપાસ કરનાર અધિકારી જણાવી શકેલ નથી. ફરીયાદ અનુસાર તપાસ આગળ ચાલેલ નથી જેથી કેસની હકીકતો, રેકર્ડ ઉપરના પુરાવાનું ઉડાણપૂર્વક વિશ્લેષણ કોર્ટ દ્વારા કરવામાં આવેલ અને એવા તારણ ઉપર આવેલ કે આક્ષેપ અનુસાર કેસ પુરવાર થયેલ ન હોય, બન્ને આરોપીઓને શંકાનો લાભ આપવો ઘટે અને ફરીયાદ પક્ષ આરોપીઓ વિરૂદ્ધનો કેસ સાબીત કરી શકેલ ન હોય, આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે અને આરોપીઓને આઇ.પી.સી. કલમ-૩૦ર, ૧૧૪ તથા જી.પી. એકટ-૧૩પ મુજબના ગુન્હામાં શંકાનો લાભ આપેલ છે અને નિર્દોષ છોડી મૂકવાનો રાજકોટના ડીસ્ટ્રીકટ જજએ હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી રવિ હકાભાઇ કુકાવા વતી રાજકોટના જાણીતા એડવોકેટ નિલેષ આર. શેઠ, રાજેશ કે. દલ, શ્યામલ જી. રાઠોડ, એચ.એમ. રૂપાવાલા રોકાયેલા હતાં.

(11:35 am IST)