Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ગુરૂકૃપાથી જીવન ધન્ય બને અને કુદરતી સાનિધ્યથી શરીર સ્વસ્થ રહે છે : પૂ. રમેશભાઇ ઓઝા

પોરબંદરમાં હરિમંદિરે રામકથામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક : હરિભગવાનની પાલખી યાત્રા નીકળી

(પરેશ પારેખ , વિનુ જોષી દ્વારા) પોરબંદર,તા. ૨૦: ભગવાન રામે ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી અને વનવાસ થકી કુદરતનાં સાંનિધ્યમાં પણ રહ્યાં. વર્તમાન સમયમાં માનવે બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. માનવને ગુરૂકૃપા મળવી જોઈએ અને કુદરતી સાંનિધ્ય. ગુરુકૃપાથી જીવન ધન્ય બને છે અને કુદરતી સાંનિધ્યથી શરીર સ્વસ્થ રહે છે, એમ  સંત પૂજયભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં સાતમા દિવસે, પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે. ૧૫મા પાટોત્સવ નિમિત્ત્।ે શ્રીહરિમંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક થયો હતો.

દૈનિક યજમાન જયશ્રીબેન અને ભૂપેન્દ્રભાઇ કણસાગરા પરિવાર (લંડન), ઉર્મિલાબેન ભગવાનજીભાઇ મિસ્ત્રી પરીવાર (લંડન) અને શ્રી હરિ ભકત (લંડન) રહ્યા હતા. શ્રીહરિ મંદિર ધ્વજા અને ઝાંખીના યજમાન શ્રી હરિ ભકત (લંડન) રહયા હતા. શ્રીહરિ મંદિરની ઝાંખીના મનોરથી અંશુબેન તિવારી પરીવાર (દિલ્હી), વિનાબેન પટેલ પરીવાર (સરી,યુકે) રહયા હતા. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી ૩:૩૦ થી થાય છે.

પૂજય ભાઈશ્રીએ જણાવ્યું કે સદ્ ગુરુ મળે ત્યારે તમામ સંશયો, આવરણો દૂર થઈ જાય છે. ઉપનિષદ્ તેનું પ્રમાણ છે. અર્જુન તેનું ઉદાહરણ છે અને રામાયણમાં ભગવાન રામચંદ્રજીએ પણ નિરંતર ગુરુકૃપા મેળવી છે. આપણું શરીર ભગવાનનો રથ છે અને અંદર રહેલો આત્મા વિશ્વનું દર્શન કરે છે. જેમ ઉપનિષદ્ કહે છે કે સત્ય એ સુવર્ણમય પાત્રમાં ઢંકાયેલું છે. સદ્ ગુરુની કૃપા દ્વારા જ તેનાં દર્શન થઈ શકે છે.

શ્રીહરિ મંદિરના ૧૫મા પાટોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે રથસપ્તમીના પાવન દિવસે પ્રાતઃ કાળમાં પૂજય ભાઇશ્રી દ્વારા શ્રીહરિ મંદિરના બિરાજમાન સર્વે વિગ્રહોનો મહાભિષેક કરવામાં આવ્યો હતો. દિવ્ય- મહાભિષેકની સાથે શ્રીહરિ મંદિરના તમામ દેવતાઓના ઉત્સવ સ્વરૂપની વિધિ-વિધાન પૂર્વક પુજા કરવામાં આવી હતી. મધ્યાહન સમયે પૂજય ભાઇશ્રી દ્વારા શ્રીલક્ષ્મી નારાયણ ભગવાન અને સર્વે દેવતાઓની તિલક વિધિ સંપન્ન કરવામાં આવી હતી તેમજ   પાટોત્સવના દિવસની દિવ્ય આરતી પણ પૂજય ભાઇશ્રી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી.

શ્રીહરિ મંદિરના ૧૫મા પાટોત્સવના અવસરે પૂજય ભાઇશ્રીના શ્રીમુખે ચાલી રહેલી શ્રીરામ કથામાં સાંદીપનિ ઝૂમ રૂમમાં આજે યુ.કે.થી શ્રી પોપટભાઈ સામાણી અને અન્ય ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા    શ્રીરામ કથામાં કથાના પ્રસંગ અનુસાર રામ-હનુમાન મિલન પ્રસંગની સાંદીપનિ ઋષિકુમારો દ્વારા મનોરમ્ય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. તો શ્રીહરિ મંદિરમાં ખુબજ સુંદર રીતે રામ-હનુમાન મિલન પ્રસંગની ઝાંખી સજાવવામાં આવી હતી. રાત્રીના હરિ ભગવાનની પાલખીયાત્રા નીકળી હતી.

(11:28 am IST)