Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જીબીઆ અમરેલીના ઉપક્રમે 'આભાર જીંદગી'

માનવતાની મહેકનું પણ અનાવરણઃ રાજ્યભરના હોદેદારો-અધિકારીઓની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧૯ :. જીઈબી એન્જિનિયર્સ એસોસીએશન - અમરેલી દ્વારા 'હેતની હવેલી' - હરિકૃષ્ણ સરોવર, લાઠી ખાતે 'આભાર જીંદગી' કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં જીબીઆ - કોર કમિટી - બી.એમ. શાહ (સેક્રેટરી જનરલ) તથા અગ્રણીઓ જે.આર. શાહ, એ.જે. તન્ના, આર.બી. સાવલીયા, એમ.જે. લાલકીયા, એન.યુ. નાયક, એસ.સી. બાવીસીયા ઉપરાંત ગુજરાત તથા બીજીવીસીએલના તમામ જીબીઆ હોદેદારોએ વિશેષ હાજરી આપેલ હતી. આ ઉપરાંત પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સર્વશ્રી કે.વી. ભટ્ટ, એ.એ. જાડેજા, કે.જે. ખાવડુ-રાજકોટ, કે.બી. કોડિયાતર, જે.એમ. રાઠોડ, એન.કે. સોલંકી ઉપરાંત કાર્યપાલક ઈજનેરશ્રીઓ, નાયબ ઈજનેરશ્રીઓ અને જુનિયર ઈજનેરશ્રીઓની ખાસ ઉપસ્થિત જોવા મળેલ.

કાર્યક્રમમાં અમરેલી વર્તુળ કચેરીના તમામ ઈજનેરો પરિવાર સાથે કાર્યક્રમ માણવા આવેલ હતા તથા જીબીઆ અમરેલી હોદેદારો અને આયોજક કમિટી મેમ્બર્સ વિશિષ્ટ પરંપરાગત સલવાર-કુર્તા સાથેના યુનિક ડ્રેસ કોડમાં ઉપસ્થિત જોવા મળેલ હતા.

કાર્યક્રમની શરૂઆત જાદુગર શહેરશાહના જાદુ શોથી શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ સવજીભાઈ ધોળકીયા અને સંજયભાઈ રાવલનું ઈજનેરોને અનુલક્ષીને વકતવ્ય હાજર શ્રોતાગણ માટે અતિ પ્રેરણાત્મક અને અનુકરણીય રહેલ.

કાર્યક્રમમાં અધિક મુખ્ય ઈજનેર કે.વી. ભટ્ટની વિદાય, અધિક્ષક ઈજનેર એ.એ. જાડેજાનો સત્કાર, કે.કે. સૈનીની નિવૃતિ વિદાય અને જે.એમ. પટલુવાલાની સ્વૈચ્છીક નિવૃતિ વિદાય રાખવામાં આવેલ હતી. પધારેલ દરેક મહેમાનશ્રીઓને સ્મૃતિ ભેટ સ્વરૂપે 'આનંદ' બુક અર્પિત કરવામાં આવેલ હતી. કાર્યક્રમ દરમિયાન કુ. દિવા કડછા દ્વારા 'આભાર જીંદગી' તથા 'જળ બચાવો' સંદેશ આગવી શૈલીમાં રજુ કરવામાં આવેલ.

કાર્યક્રમના અંતે લાઠી રોડ પર એસ.ટી. ડિવીઝન પિકઅપ સ્ટેન્ડની બાજુમાં - જીઈબી એન્જિનિયર્સ એસોસીએશન - અમરેલી દ્વારા પ્રસ્થાપિત 'માનવતાની મહેક' (ગરીબ વર્ગ માટે કપડા, રમકડા, સ્કૂલ બેગ, બુટ-ચંપલ વગેરે સ્વૈચ્છિક મુકવા માટેની વ્યવસ્થા)નું અનાવરણ સેક્રેટરી જનરલ બી.એમ. શાહના હસ્તે કોર કમિટી, હોદેદારો, પીજીવીસીએલના અધિકારીશ્રીઓ અને ઈજનેરોની હાજરીમાં કરવામાં આવેલ.

ઉપસ્થિત દરેક મોંઘેરા મહેમાનો પ્રત્યે સર્કલ સેક્રેટરી - અમરેલી કે.બી. પોંકીયા દ્વારા આભારસહ કૃતજ્ઞતા વ્યકત કરવામાં આવેલ હતી તથા કાર્યક્રમને સફળ બનાવનાર દરેક કમિટી મેમ્બર્સ, હોદેદારો, ઈજનેરો તથા વોલેન્ટિયર્સ ટીમને એમ.એમ. કડછા - એડી. જનરલ સેક્રેટરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

(1:10 pm IST)