Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પાકિસ્તાનથી રણ રસ્તે કચ્છમાં ''તીડ એટેક''

પાકનો સોથ વાળે તે પહેલા અંકુશ લ્યોઃ ખેડૂતોમાં ફફડાટ! માંડ સારો વરસાદ થયો ત્યાં લખપત-અબડાસા-ખાવડામાં ''રણ તીડ''ની આફત ત્રાટકીઃ ખેડૂતોને ધુમાડો કરી, ઢોલ વગાડી, તાળીઓ પાડી તીડ ભગાડવા સલાહ

ભુજ,તા.૧૯: કચ્છમાં દુષ્કાળ અને અછત પછી ખેડૂતો માટે માંડ માંડ વર્ષ ૧૬ આની જેવું થાય એવા સંજોગો સર્જાય ત્યાંજ વધુ એક કુદરતી આફત ત્રાટકી છે. પાકીસ્તાનથી કચ્છના સરહદી તાલુકાઓ લખપત, અબડાસા અને ખાવડા પંથકમાં 'રણ તીડ'નું આક્રમણ થયું છે.

અત્યારે આ ત્રણેય તાલુકાઓના ગુનેરી, મુંધાન, મોટી બેર, ગુનાઉ, કુરન, સુમરાપોર અને તેની આસપાસના ગામોમાં 'રણ તીડ' ના ટોળા દેખાતાં ખેડૂતો ફફડાટ સાથે ખુલ્લા પગે દોડતા થઈ ગયા છે, ખેડૂતોમાં 'તીડ'ની ચિંતાને પગલે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. દરમ્યાન ખેડૂતોની ચિંતા અને ભયના પગલે તીડની આફતને પહોંચી વળવા કચ્છનું ખેતીવાડી તંત્ર સાબદુ થઈ ગયું છે.

કચ્છના મદદનીશ ખેતી નિયામક ઉપેન્દ્ર જોશી, તીડ નિયંત્રણ અધિકારી અશોક બારીયા પણ ગામડાઓ ખૂંદી રહ્યા છે. હાલના તબક્કે તીડ ના ટોળા નાના હોવાનું કહેતાં આ સરકારી અધિકારીઓએ તીડ ભગાડવા માટે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું છે કે, જો તીડના ટોળા દેખાય તો ધુમાડો કરવો, ઢોલ વગાડવા, તાળી પાડવી તેમ જ પાકના રક્ષણ માટે રાસાયણિક દવા કલોરોપાયરીફોસ, ફ્રિપોનીલ,લેમડાસ્સયકોફીન, ડેલ્ટામેફ્રીન, મેલાથીઓન દવાનો છંટકાવ કરવો. જોકે, 'રણ તીડ' ભારે આક્રમકતા ધરાવે છે અને જે ખેતરમાં પડાવ નાખે ત્યાં પાકનો સફાયો કરી નાખે છે. તીડ ની બીજી ખાસિયત એ હોય છે કે, તે મોટી સંખ્યામાં પ્રજનન કરે છે. એટલે તેમની સંખ્યા ખૂબ જ વધી જાય છે.

ત્રણ વર્ષ પછી પડેલા સારા વરસાદ અને ઉપર દિવાળીના સપરમાં દિવસો વચ્ચે પાકિસ્તાનથી ત્રાટકેલી આ 'તીડ' રૂપી આફતે કચ્છના ખેડૂતોમાં ભય, ઉચાટ અને ચિંતાનો માહોલ સજર્યો છે. રાજય સરકાર પણ તીડની આફતને ડામવા સક્રિય બને તે જરૂરી છે.

(11:55 am IST)