Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભુજમાં ૮.૫૦ લાખની લૂંટ

દુકાન વધાવીને જતા હતા ત્યારે કારીયા બ્રધર્સવાળા રેવાશંકરભાઇ કારીયા ઉપર હુમલોઃ લુંટારૂઓ ફરાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૯: તમાકુ, પાન મસાલા ક્ષેત્રે કચ્છ અને ભુજની જાણીતી વ્યાપારી પેઢી કારીયા બ્રધર્સના માલિકો સાથે બનેલી રૂ. ૮.૫૦ લાખની લૂંટની ઘટનાએ સનસનાટી સર્જી છે. ગત રાત્રે દસેક વાગ્યાના અરસામાં દરરોજના નિત્યક્રમ પ્રમાણે ભુજની વાણિયાવાડ બજારની દુકાનેથી વકરો લઈને ભાનુશાલીનગરમાં આવેલ પોતાને ઘેર જઈ રહેલા રેવાશંકર કારીયા (ઉ.૭૨), તેમના પુત્ર કમલ કારીયા અને અન્ય પુત્ર સાથે એમ ત્રણ જણા બાઇક ઉપર હતા.

ત્યારે સામેથી ટ્રિપલ સવારીમાં આવેલા લૂંટારુઓએ આ પિતા પુત્રોની બાઇકને ટક્કર મારી પાડી દીધી હતી અને રેવાશંકરભાઈના હાથમાં રહેલ રૂ. ૮.૫૦ લાખની રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો. જોકે, તે દરમ્યાન સામાન્ય ઝપાઝપી થઈ તેમાં વૃદ્ઘ વ્યાપારી રેવાશંકરભાઇ કારીયાને થોડી દ્યણી ઈજાઓ થઈ હતી. પરંતુ ભાનુશાલીનગર જેવા ભુજના ધમધમતા વિસ્તારમાં લોકો કંઈ સમજે તે પહેલાં એકાએક બે બાઇકોનો ટકરાવ અને ચિલઝડપ સાથે થયેલી લૂંટની આ દ્યટના ગણતરીની મિનિટોમાં બની હતી.

સનસનાટીભરી લાખોની લૂંટની આ દ્યટનાની જાણ થતાં જ ભુજની એ ડીવી, બી ડીવી પોલીસ તેમ જ એલસીબી પણ દ્યટના સ્થળે પહોંચી હતી. લૂંટના આ બનાવને પગલે ભુજના વ્યાપારી વર્ગમાં ભય પ્રસરી ગયો છે. જોકે, પોલીસે સતર્કતા સાથે જ ગઈકાલે કોમ્બિગ અને નાકાબંધી કરી આ વિસ્તારના સીસી ટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. જે રીતે લૂંટની ઘટના બની તે જોતાં લૂંટારુંઓએ વ્યાપારીની અવરજવરની રેકી કરીને વ્યાપારી પાસે રહેતી વકરાની મોટી રકમ વિશે જાણીને આ બનાવને અંજામ આપ્યો હશે, એવું પોલીસ માની રહી છે.

(11:35 am IST)