Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જુનાગઢમાં દીકરીનો જન્મ થતા દિવડા પ્રગટાવી રેડકાર્પેટ સ્વાગત કરાયું !

સમુ હલગ્નના પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઇ વઘાસિયાનું પ્રેરક પગલું : પુત્રી શ્વેતા રાહુલ ઠુંમરને ત્યાં પારણુ બંધાતા પાંચ સર્વજ્ઞાતિય બહેનોને સિલાઇ મશીન અર્પણ કરીને અનેરી ઉજવણી કરાશે : ખરા અર્થમાં બેટી બચાવો... બેટી વધાવો... સુત્રને સાર્થક કર્યુ

જુનાગઢ, તા.૧૭:  આજના કહેવાતા આધુનિક સમયમાં આજે પણ વ્યાપકપણે દીકરા-દિકરી વચ્ચેનો ભેદ જોવા મળે છે. હજારો લોકો સંતાન પ્રાપ્તીમાં પુત્રને પ્રાધાન્ય આપતા જોવા મળે છે. તેવી સ્થિતિ વચ્ચે ઙ્ગજુનાગઢના સમુહલગ્નના પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઇ વઘાસિયાના દિકરીના ઘરે દિકરીનું જન્મ થતા ઘરે દિવડા પ્રગટાવી લાલ જાજમ બિછાવી નવજાત દિકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનો આ પ્રેરક પ્રયાસ અન્ય લોકો માટે દાખલરૂપ બન્યો છે.

સૌરાષ્ટ્રભરમાં જાણીતા બનેલા લેઉવા પટેલ સમાજના નમુનેદાર સમુહલગ્નનું આયોજન કરનાર અને ગામડે ગામડે જરૂરીયાતમંદ બહેનોને સિલાઇ મશીન વિતરણ કરીને રોજગારીનું માધ્યમ પુરૂ પાડનાર જુનાગઢના સમાજ સેવક હરસુખભાઇ વઘાસિયાની દિકરી શ્વેતા રાહુલ ઠુંમરના ઘરે તાજેતરમાં જ દિકરીની જન્મ થયો હતો. દિકરી જન્મને પ્રોત્સાહન મળે અને સમાજને પ્રેરણા મળે તેવા આશયથી તેમણે આ નવજાત દિકરીને આવકારવાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો.

નાનાના ઘરે ગૃહપ્રવેશ નિમિત્તે આખા ઘરને ફુલો, ફુગ્ગા અને રીબીન જેવી વસ્તુઓથી સજાવવામાં આવ્યું હતું. દિપોત્સવીના પર્વની માફક દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. તેમજ ઘરે કોઇ શાહી મહેમાન આવી રહ્યા હોય તેમ લાલ જાજ્જ બિછાવીને રેડકાર્પેટ સ્વાગત પણ નવજાત દિકરીનું કરવામાં આવ્યું હતું. આ ખુશીના પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દિકરી જન્મની યાદમાં આગામી દિવસોમાં પાંચ સર્વજ્ઞાતિય જરૂરીયાતમંદ બહેનોને સિલાઇ મશીન વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંખ્યાબંધ દુષણો વગેરે દૂર કરવા માટે તેઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેવા સમયે દિકરી જન્મની વધામણીનો આ પ્રસંગ અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડશે. તેમના આ પ્રયાસને પરિવારજનોની સાથે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોએ પણ આવકારી ખુશીની લાગણી વ્યકત કરી હતી.

(1:44 pm IST)