Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સોનગઢ ગુરૂકુળના મુખ્યાધીશ સહિત આઠ વ્યકિતએ ઉચાપત કરી મુંબઇ સ્થિત ટ્રસ્ટીને ધમકી આપ્યાની રાવ

ભાવનગર તા. ૧૭ :.. ભાવનગરનાં સોનગઢ ગુરૂકુળનાં મુખ્યાધીશ સહિત આઠ એ વહીવટ દરમ્યાન ઓડીટ મુજબની સીલક સંસ્થામાં પરત ન કરી ઉચાપત કર્યાની અને ખેતીવાડી, ગૌશાળાનો હિસાબ ન આપી નોકરીમાં ન હોવા છતાં સંસ્થાનાં કવાર્ટરનો તેમજ ખેતીવાડીનો કબ્જો જમાવી મુંબઇ સ્થિત ટ્રસ્ટીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

આ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલ ફરીયાદ મુજબ સિહોર તાલુકાનાં સોનગઢ ગુરૂકુળ હાઇસ્કુલનાં ટ્રસ્ટી મુંબઇ નિવાસી રાકેશભાઇ રાધેશ્યામભાઇ અગ્રવાલની ફરીયાદમાં જણાવેલ કે સોનગઢ ગુરૂકુળના મુખ્ય વહીવટ કરતા મુખ્યાધીશ  અરજણભાઇ પુનાભાઇ આલ, પ્રવિણ અરજીભાઇ આલ, વજાભાઇ પુનાભાઇ આલ, ગોપાલ પોલાભાઇ, પોલાભાઇ ઉલવા, બાબુભાઇ પુનાભાઇ આલ, રાજૂભાઇ અરજીઇભાઇ આલ (રહે. તમામ સોનગઢ) એ ગુરૂકુળનાં વહીવટ સન ર૦૦૬ થી ર૦૧૧ દરમ્યાન સંસ્થાની અંદર પોતે તથા તેના ભાઇઓને ગેરકાયદે નોકરીએ રાખી ખોટા બિલો, વાઉચર નાખી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી સંસ્થાની ૩૧-૩-૧૮ નાં ઓડીટ મુજબની સીલક રૂ. ૪૧૭૯રર ની રોકડ રકમ રાજીનામુ આપ્યુ હોવા છતાં સંસ્થાને સીલક પરત ન કરી ઉચાપત કરી તેનાં ભાઇ વજા પુનાભાઇએ ખેતીવાડીનો ર૦૧૭-ર૦૧૮ નો હિસાબ ન આપી, તેના ભત્રીજા ગોપાલ પુનાભાઇ એ ગૌશાળાનો હિસાબ ન આપી તેઓનાં કાર્યાલયમાં નોકરી કરતાં પોલા ઉલવાએ એકાઉન્ટન્ટ તરીકે અરજીભાઇનાં કહેવાથી તેના દિકરા કલાર્ક ન હોવા છતાં પગારનો ચેક, વાઉચર બનાવી તેમજ કુટુંબીજનોને એ નોકરીમાં ન હોવા છતાં સંસ્થાનાં કવાર્ટરનો કબજો, ખેતીવાડીનો કબજો કે હિસાબ ન સોંપી હિસાબ માંગશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સોનગઢ પોલીસે તમામ વિરૂધ્ધ આઇ. પી. સી. ૪૦૬, ૪ર૦, ૧૧૪, પ૦૬ (ર) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)