Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ખંભાળીયા પાસે એસ.ટી. ઉંધી વળી જતા ૩૦ મુસાફરોને ઇજા

સલાયા - જુનાગઢ રૂટની બસના ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુલના ડિવાઇડર ઉપર ચડી જઇને પલ્ટી ગઇ

તસ્વીરમાં પલ્ટી ખાઇ ગયેલ એસ.ટી. બસ તથા ઇજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા તે નજરે પડે છે. (તસ્વીર : કૌશલ સવજાણી - ખંભાળીયા, કિંજલ કારસરીયા, જામનગર)

ખંભાળીયા તા. ૧૭ : ખંભાળીયા ગંગાજમના નજીક સલાયા - જુનાગઢ રૂટની એસટી બસ વહેલી સવારે પલ્ટી મારી જતા અંદર બેસેલા ૩૦થી વધુ મુસાફરોને ઇજા થવા પામી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સલાયાથી વહેલી સવારે ઉપડતી સલાયા - જુનાગઢ રૂટની જી.જે.૧૮ઝેડ-૪૦૬ નંબરની ઇન્ટરસીટી એસ.ટી. આગળ ભાણવડ રોડ પર આવેલ ગંગાજમના હોટેલથી આગળ પલ્ટી મારી જતાં બસમાં સવાર ૩૦થી વધુ મુસાફરોને નાની - મોટી ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ૧૦૮ તથા ખાનગી વાહનોમાં ખંભાળીયાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં કેટલાક વધુ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જામનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. મુસાફરોના જણાવ્યા અને પ્રાથમિક તારણ મુજબ બસ ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પ્રથમ રોઠ પરના સાઇડ ડિવાઇડર પર ચડી પલ્ટી મારી હતી.

બનાવની જાણ થતાં ખંભાળીયા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બસ પલ્ટી મારતા જ અંદર બેસેલા મુસાફરોમાં ચીચીયારી બોલી ઉઠી હતી.

ડેપો મેનેજરશ્રીએ જણાવ્યું હતું કે, આ આકસ્માતમાં ૩૦થી ૩૫ મુસાફરોને નાની-મોટી ઇજા થઇ છે અને જાનહાની થઇ નથી. હું ઘટના સ્થળે તપાસ માટે જાવ છું.

જ્યારે આ આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને પ્રથમ ખંભાળીયા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સવારે તબીબો - સ્ટાફની ઓછી હાજરી હોવાથી તાત્કાલિક ઇજાગ્રસ્તોને જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે.

(11:37 am IST)