Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આમરણના ડાયમંડ નગર ખાતે કડવા પાટીદાર સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ-સ્નેહ મિલન સમારોહ સંપન્ન

આમરણ તા ૧૭ : આમરણના ડાયમંડનગર ખાતે કડવા પાટીદાર સમસ્ત કસુન્દ્રા પરિવાર દ્વારા કુળદેવીશ્રી બહુચરાજી મંદિરના સાન્નિધ્યમાં નવા વર્ષમાં પરંપરાગત ધાર્મિક અને સામાજિક બે દિવસીય કાર્યક્રમ સંપન્ન થયો હતો.

નવચંડી યજ્ઞ, રાસગરબા અને તેજસ્વી તારલાઓનું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. ગામ બહારગામ વસતા સાડા ત્રણ હજાર પરિવારજનોએ હાજરી આપી આ મહોત્સવની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે નવા વર્ષમાં આમ સમાજના જરૂરિયાતમંદોને ઉપયોગી થવાના ઉમદા સંકલ્પને પણ સાકાર કરાયો હતો. અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં સન ૨૦૧૦માં મોટાભાઇનું કેન્સરની બીમારીમાં મૃત્યું થયા બાદ નેસડા (ટંકારા) નિવાસી કાસુન્દ્રા દંપતી શિક્ષક કાંતિભાઇ તથા ભાવનાબેન દ્વારા છેલ્લા આઠ વર્ષથી સિવિલ હો. માં નાતજાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદોને વિના મૂલ્યે ટિફીન સેવા દ્વારા પોતાના ઘરે જાતે બનાવેલું ભોજન પહોંચાડવાની ભગીરથ સેવા કરી રહયા છે.

આ તકે કાસુન્દ્રા પરિવારોને સહભાગી થવા અપીલ કરાતાં માત્ર ૧ કલાકમાં ૬।। લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરી અર્પણ કરાયું હતું

સમસ્ત કાસુન્દ્રા પરિવારના પ્રમુખ પ્રાણજીવનભાઇ કાસુન્દ્રા તેમજ અગ્રણી હરિભાઇ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે  કોઇપણ સમાજનો મેળાવડો માત્ર ધાર્મિક નહિં પરંતુ સાથોસાથ આમ સમાજને ઉપયોગી થવાની ભાવના સાથે યોજાય તો ધર્મ સાથે જોડાયેલ માનવ સેવાના મુળમંત્રને પણ ઉજાગર કરી શકાય છે. સામાજિક એકતા અને આર્થિક શકિતનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચે તે જ સાચો ધર્મ છે.

(11:09 am IST)