Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

વાંકાનેરમાં પવનચક્કીઓ ઉભી કરવામાં થતાં બ્લાસ્ટથી ખેડૂતો પરેશાન

વાંકાનેર,તા.૧૪: મોરબી જીલ્લાના વાંકાનેર પર કુદરત મહેરબાન હોય સમગ્ર પંથક ડુંગરોની હરિયાળીથી દીપી ઊઠે છે. વાંકાનેરના આવા સુંદર નયનરમ્ય ડુંગરો પર વિન્ડફાર્મ કંપનીઓની વેપારી નજર પડી અને સરકારી અધિકારીઓના મેળાપણાથી જયાં જંગલોનું વિસ્તરણ થવું જોઈએ ત્યાં ગ્રીન પ્રોજેકટ અંતર્ગત પવન ચક્કીઓનો રાફડો ફાટયો છે. વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા પવનચક્કી ઊભી કરવા માટે તેના ફાઉન્ડેશન માટે ખાડો કરવામાં આવે છે વાંકાનેર ડુંગર વિસ્તારની જમીન મજબૂત હોવાથી આ ખાડાઓ કરવા માટે હેવી બ્લાસ્ટિંગનો ઉપયોગ કરી રહ્યા છે (જે બ્લાસ્ટિંગ માટે સરકારની કોઇ જાતની પરમિશન મેળવતાં નથી) જે બ્લાસ્ટિંગથી આજુબાજુના ખેડૂતોને ગંભીર નુકસાની સહન કરવી પડે છે. ખેડૂતો દ્વારા અવારનવાર આ બાબતની ફરિયાદ લેખિત તેમજ મૌખિક રીતે તંત્રને કરવામાં આવે છે પરંતુ લાગત સરકારી તંત્રની ભૂમિકા ખેડૂતો પ્રત્યે ન રહેતાં અને વિન્ડફાર્મના એજન્ટો હોય તેવું વર્તન જોવા મળી રહ્યું છે. ખેડૂતોની ફરિયાદો બાદ તંત્ર દ્વારા કોઈપણ ભોગે ખેડૂતોને સમજાવી કે દબાવીને ફરિયાદ પાછી ખેંચવા માટે અથવા તો હવે કોઈ ફરિયાદ નથી તેવું નિવેદન આપવા માટે અલગ-અલગ રસ્તાઓ અખત્યાર કરી રહ્યા છે અને ખુલ્લેઆમ વિન્ડફાર્મ કંપનીઓને છાવરી રહ્યા છે.

તાજેતરમાં વાંકાનેરના ચંદ્રપુર ગામે પાંચ નવી પવનચક્કીઓ ઊભી થઈ રહી છે જેમાં ફાઉન્ડેશન માટે કરવામાં આવતાં હેવી બ્લાસ્ટથી ચંદ્રપુરના ખેડૂત બરીયા આરીફ વલીમામદભાઈ ના ખેતરમાં રહેલ કુવો, બોર તેમજ મકાનમાં ગંભીર નુકસાન થયેલ જે બાબતની ખેડૂત દ્વારા અવારનવાર કંપનીના માણસોને ફરિયાદ કરી હોવા છતાં વિન્ડફાર્મ કંપનીના માણસો બેફામપણે વર્તન કરી હેવી બ્લાસ્ટિંગ ચાલુ રખાતાં ખેડૂત દ્વારા મોરબી જિલ્લા કલેકટર અને વાંકાનેર પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરેલ છે.

ખેડૂતોની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લેતા જોવા મળ્યું કે પવનચક્કી ઊભી કરવા માટે હેવિ વાહનોને સ્થળ સુધી લઈ જવા માટે પહોળા રસ્તા બનાવવા માટે અસંખ્ય વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે આટલા મોટા પ્રમાણમાં વૃક્ષોનું છેદન હોવા છતાં સરકારી ચોપડે તેની કોઈ એન્ટ્રી નથી કે વૃક્ષો તોડવા માટેની કોઈ મંજૂરી લીધેલ નથી. ઉપરોકત ખેડૂતનો સર્વે નંબર ૨૬૫ ની બાજુમાં આવેલ ગૌચરની જમીનમાં વાંકાનેર વન વિસ્તરણ દ્વારા અસંખ્ય વૃક્ષો વાવી ઉછેર કરવામાં આવેલ જયાં પણ વૃક્ષો કાપીને પવનચક્કીનો વીજપ્રવાહ લઈ જવા માટે લોખંડના પોલ ઉભા કરી વૃક્ષોનું છેદન કરવામાં આવેલ જે બાબતમાં પણ કંપની ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી.

વિન્ડફાર્મ કંપની દ્વારા પવનચક્કીઓ ઊભી કરી તેમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થતાં તેને વહન કરવા માટે વીજપોલો ઉભા થઇ ગયા. આ વીજ લાઈન માટેના લોખંડના પોલ ગ્રામ પંચાયતના ખરાબામાં, વોંકળામાં, તળાવમાં તેમજ ગૌચરમાં ઉભા કરી (ગ્રામ પંચાયતને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર) સરકારશ્રીના ઠરાવો અને શરતોનો ભંગ કરે છે. રક્ષિત જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં વિચરતા વન્ય પ્રાણીઓના સ્થળાંતરના માર્ગ (માયગ્રેટીંગ રૂટ) પર કોન્ટ્રાકટર દ્વારા રસ્તા તેમજ વીજ પોલ ઉભા કરેલ છે જેના કારણે જંગલ વિસ્તાર અને તેની બાજુમાં ઈકો સેન્સેટીવ ઝોનમાં વન્ય પશુઓને અડચણ તેમજ તેમના માર્ગમાં અંતરાયો ઉભા થયેલ છે જે વન્યપ્રાણીઓ માટે ખતરારૂપ છે અને રસ્તાઓ બનાવવા માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખેલ છે જેમાં પક્ષીઓના રહેઠાણનો પણ નાશ થયો છે.

(11:56 am IST)
  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST

  • નાગરિકતા કાયદાના વિરોધમાં જામિયા બાદ અલીગઢ મુસ્લિમ યુનિ,માં હિંસક પ્રદર્શન : ભારે પથ્થરમારો : ગોળીબાર : અનેક પોલીસકર્મીઓ ઘાયલ : પાંચમી જાન્યુઆરી સુધી વિશ્વ વિદ્યાલય બંધ access_time 12:27 am IST

  • સોમવારે ઝારખંડમાં ચોથા તબક્કાનું મતદાન : પ્રચાર પડઘમ બંધ : સોમવારે 15 સીટ માટે થશે મતદાન : 23 મહિલાઓ સહીત 221 ઉમેદવારો મેદાનમાં : 22,44,134 મહિલાઓ સહીત કુલ 47,85,009 લોકો કરશે મતાધિકારનો ઉપયોગ access_time 1:15 am IST