Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

હળવદના રાયસંગપુર ચાડધ્રા ગામના વિદ્યાર્થીઓ કરે છે જીવન જોખમે અભ્યાસ

હળવદ,તા.૧૪: હળવદ તાલુકાના રાયસંગપુર અને ચાડધ્રા ગામના આશરે ૭૫ વિદ્યાર્થીઓ મયુરનગર પુલ તુંટી જવાથી અન્ય રસ્તાઓ પર જીવના જોખમે કરી રહ્યાં છે અભ્યાસ ત્યારે અવારનવાર તંત્રને પણ કરવામાં આવી છે રજૂઆત પણ ચાર વર્ષ વીતવા છતાં પરીણામ શુન્ય જ મળ્યું ત્યારે હવે વિદ્યાર્થીઓ હાથ જોડીને વિનંતી કરી રહ્યાં છે હવે તંત્ર જાગશે કે કેમ તે જોવાનું રહ્યું?

રાયસંગપુર અને ચાડધ્રાના ૭૫  વિદ્યાર્થીઓ મયુરનગર માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા માટે અવરજવર કરે છે પરંતુ છેલ્લા ચારેક વર્ષથી મયુરનગરનો પુલ તુંટી જવાથી વિદ્યાર્થીઓ અન્ય રસ્તાથી જીવના જોખમે પસાર થવું પડે જેમાં વહેલી સવારે અંધારામાં ઓનલાઈન હાજરીઓ માટે શાળામાં અભ્યાસ અર્થે જવું પડે છે તો રસ્તામાં અનેક પ્રકારના જેરી જીવજંતુઓ સહિત અનેક મુશ્કેલીઓમાથી પસાર થઈ બિસ્માર કામચલાઉ રસ્તા પર ચાલી રહ્યાં છે.

મયુરનગર ખાતે આવેલી માધ્યમિક શાળામાં અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા જણાવી હતી અને કહ્યું હતું કે રાયસંગપુરથી શાળા છ કિલોમીટર દૂર અને ચાડધ્રા સાત કિલોમીટર જેટલું અંતર છે અને સવારે સાંજ અપડાઉન કરી લેશનનો સમય બચતો નથી જેથી કરીને મોડી રાત સુધી રીડીંગ કરવું પડે છે તો સાથે જણાવ્યું કે તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રએ જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ નિવડતા હાલમાં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છીએ.

બ્રાહ્મણી નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે દશ થી વધારે દિવસો સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે જયારે આ નદીમાં પાણી આવવાથી કોઝવે પરથી પસાર થતાં બન્ને બાજુ ઉંડા પાણીમાં પડવાનો ભય સાથે વહેલી સવારે અંધારામાં અભ્યાસ અર્થે નિકળે છે જેમાં એકબાજુ સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવી શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર પુલનુ સમારકામ કરવામાં તંત્ર વામળુ પુરવાર થયું છે.

હળવદ મામલતદારના જણાવ્યા પ્રમાણે આ પુલ સ્ટેટમા આવે છે અને સરકારમાં દરખાસ્ત મુકવામાં આવી છે અને ટુંક જ સમયમાં કામગીરી શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

(10:19 am IST)