Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૧૪ ગામોના લોકો માટે ઉલમાંથી ચુલમાં પડયા જેવો ઘાટઃ ઓળખના પુરાવા માટે ધાંધીયા

ગ્રામજનો સહિતના આગેવાનોની કલેકટરને રજુઆત : મોરબી હોસ્પિટલમાં ડોકટરની નિમણુંક પ્રશ્ને રજુઆત

જામનગર જિલ્લાના છેવાડાના આમરણ એવીસીના ૧૪ ગામોના લોકોને સરકારી આધાર પુરાવા માટે થતી મુશકેલી અંગે મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરેલ તે તસ્વીર

મોરબી,તા.૧૪:મોરબીને જીલ્લો બનાવાતા જામનગર જીલ્લાના છેવાડામાં આવેલ આમરણ ચોવીસીના ૧૪ ગામોનો મોરબી જીલ્લામાં સમાવેશ કરાયો છે જોકે મોરબી જીલ્લામાં સમાવેલા ૧૪ ગામો ઉલ માથું ચૂલમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણકે જીલ્લો બન્યાને છ વર્ષ વીત્યા બાદ હજુ આ ગામો પરેશાની ભોગવી રહ્યા છે

મોરબીના આમરણ પંથકના ૧૪ ગામોની મુશ્કેલી અંગે વિસ્તારના આગેવાન મેહુલભાઈ ગાંભવાની આગેવાનીમાં કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લો થયા બાદ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના ૧૪ ગામો આમરણ, ઝીન્ઝુંડા, રાજપર, ફડસર, બેલા, રામપર, ઊંટબેટ સામપર, ખારચીયા, કેરાલી, ફાટસર, જીવાપર, બાદનપર, ધૂળકોટ અને કોયલી ગામો ૨૦૧૩ માં મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં સમાવેશ થયો છે

આ ગામોની પ્રાદેશિક હકુમત ફેરફાર થતા લોકોના આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડ જેવા મૂળભૂત પુરાવા જીલ્લા ફેરફાર થયા અંગે પુરાવા મોરબી જીલ્લા, તાલુકાનો ઉલ્લેખ કરવા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેથી આ પુરવામાં સુધારા કરવાની કાર્યવાહી ૧૪ ગામોની પંચાયત કચેરીમાં કરવામાં આવે જેથી વૃદ્ઘ અને નિરક્ષર વ્યકિતઓને પણ સુગમતા રહે તેવી માંગ કરવામાં આવી છે

સરકારી હોસ્પિટલ ડોકટરો નિમણુક મામલે ધારાસભ્ય મેદાને

મોરબી સરકારી હોસ્પિટલમાં જનરલ સર્જન અને ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટની ખાલી જગ્યાઓને લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય જેથી આ મામલે મોરબીના ધારાસભ્યએ આરોગ્ય સચિવને પત્ર પાઠવી ડોકટરોની નિમણુક કરી દર્દીઓને પડતી મુશ્કેલી નિવારવા માટે રજૂઆત કરી છે

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજયના આરોગ્ય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબી સરકારી હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૭૦૦ જેટલા દર્દીઓની ઓપીડી રહે છે તેમજ ૨૦૬ બેડની હોસ્પીટલમાં છેલ્લા છ માસમાં ૨૪૦૦૦ થી વધુ ઇન્ડોર દર્દીઓને દાખલ કરવામાં આવેલ મેડીકલ લીગલ કેસની સંખ્યા પણ ૨૫૦૦ જેવી થવા પામી છે ત્યારે સરકારી હોસ્પિટલનું હયાત બિલ્ડીંગ નાનું પડે છે તેમજ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ જનાના હોસ્પિટલનું બિલ્ડીંગ જુનું અને જર્જરિત છે જેથી ત્યાં નવું બિલ્ડીંગ બાંધવાની જરૂરિયાત છે

 સરકારી હોસ્પિટલમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલીસીસ સેન્ટરમાં આઠ મશીનોથી સારવાર અપાય છે તેમાં વધારો કરવો જરૂરી છે હાલ ફીઝીયોથેરાપીની જગ્યાના અભાવે દર્દીઓને અગવડ પડે છે આમ મોરબીની સરકારી હોસ્પિટલમાં મેડીકલ તેમજ પેરા મેડીકલ અને વહીવટી સ્ટાફની ખૂટતી જગ્યાઓ તાત્કાલિક ભરાય તો દર્દીઓને થતી હાલાકી નિવારી શકાશે તેમજ યોગ્ય વોચમેન દ્વારા સુરક્ષા વ્યવસ્થા જરૂરી હોય જે માટે યોગ્ય પગલા ભરવા માંગ કરી છે.

(1:09 pm IST)