Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કાલે ભાવનગરની મહિલા કોલેજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ રૂપાંતરિત થશે તેવું નિઃ શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજનઃ વિભાવરીબેન દવે

નિતીનભાઇ પટેલ,પ્રદિપસિંહ જાડેજા, જીતુભાઇ વાઘાણીના હસ્તે ખુલ્લો મુકાશે :૧૭ હજાર લોકોનું રજીસ્ટ્રેશન

ભાવનગર તા.૧૪ :કાલે તા.૧૫/૦૯/૨૦૧૯ ના રોજ એસ.એન.ડી.ટી મહીલા કોલેજ ભાવનગર ખાતે 'માવતર' સંસ્થાના પ્રેરાણાસ્ત્રોત સ્વ.વિજયભાઈ દવેની પ્રથમ પૂણ્યતિથી નિમિતે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ભાવનગર મહાનગર પાલિકાના સંયુકત ઉપક્રમે યોજાઇ રહેલા મેગા મેડિકલ કેમ્પને અભૂતપૂર્વ લોક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ૧૭,૦૦૦ લોકોએ આ કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમજ એસ.એન.ડી.ટી મહીલા કોલેજ, ભાવનગર ખાતે યુદ્ઘના ધોરણે કેમ્પની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

આ તકે રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે એક દિવસ માટે ભાવનગરની મહિલા કોલેજ અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં રૂપમાં ફેરવાશે તેવું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ મેગા મેડિકલ કેમ્પમાં આજદિન સુધીમાં કુલ ૧૭,૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમની સારવાર માટે એસ.એન.ડી.ટી મહિલા કોલેજ ખાતે દરેક રોગ દીઠ અલગ એવા ૨૦ થી ૨૨ રૂમનું એક વિશાળ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે જયાં વિભાગવાર ડોકટરો સારવાર આપશે તેમજ દર્દીઓને ઝડપી સારવાર મળે તે હેતુ થી ૧૪ જેટલી કેસબારીઓનું પણ નિર્માણ કરવામાં આવનાર છે.

આ કેમ્પમાં અમદાવાદ સીવીલ મેડીસિટીના ૨૫ થી ૩૦ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો તેમજ ૪૦ થી ૪૫ સ્પેશિયાલિસ્ટ ડોકટરો પોતાની સેવા આપવાના છે અને તેટલા જ સ્પેશિયલ ડોકટરો સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરથી આ કેમ્પમાં સેવાર્થે જોડાશે. સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોમાં કેન્સરની સારવાર માટેના ૬ ઓન્કોલોજિસ્ટ ડોકટરો, હૃદયની સારવાર માટેના ૪ કાર્ડિયોલોજિસ્ટ ડોકટરો, કિડનીની વિવિધ સારવાર માટે ૪ યુરોલોજિસ્ટ નેફ્રોલોજીસ્ટ ડોકટરો તેમજ ફેફસાની સારવાર માટે ટી.બી ચેસ્ટ પરમેનોરી મેડિસિનના ચાર ડોકટરો તેમજ ૪૦ થી ૪૫ સ્પેશિયાલિસ્ટ ડોકટરો આંખ, કાન, નાક, ગળા, દાંત, હાડકા, સ્કીન વગેરે જેવા રોગો માટે સેવા આપશે. ૭૦ ડોકટરો સહિત ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ, ડેટા એનાલિસ્ટ એમ કુલ મળી ૧૫૦ થી વધુનો સ્ટાફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આ કેમ્પમાં આવનાર છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે આ કેમ્પમાં દર્દીને માત્ર તપાસ જ નહીં પરંતુ જરૂરી તમામ ટેસ્ટ તેમજ દવાઓ પણ નિશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર્દીઓને લાવવા લઈ જવા માટે શહેર અને જિલ્લાના તાલુકાઓ જેવા કે પાલીતાણા, સિહોર, મહુવા, તળાજા, વલભીપુર, જેસર, ગારીયાધાર, દ્યોદ્યા વગેરે જેવા સ્થળોએથી દર્દીઓને લાવવા લઈ જવા માટે સો જેટલી બસો તેમજ ૪૦ રિક્ષાઓની સુવિધા પણ ઉભી કરાઈ છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દર્દી એ કયાંય પણ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે નહીં આમ લોક સેવાર્થે અને લોકહિતાર્થે યોજાઈ રહેલ આ મેગા મેડિકલ કેમ્પ ખરા અર્થ માં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ બની રહેશે.

(11:33 am IST)