Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પડધરીના અસરગ્રસ્ત ૧૧૬ પરિવારોને સહાય માટે યુદ્ધના ધોરણે કામગીરી

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લલિત કગથરા અને તળપદા દંપતિએ અવાજ ઉઠાવતા પડઘો

રાજકોટ, તા. ૧૪ :. પડધરીના આંબેડકરવાસમાં ચોમાસાની મધ્યના સમયમાં આવેલા ભારે વરસાદને કારણે ૧૧૬ ગરીબો પરિવારોને ભારે તારાજી સહન કરવી પડેલ. તેમને સરકાર તરફથી તાત્કાલીક કેશડોલ્સ (રોકડ સહાય) મળવા પાત્ર હતી પરંતુ વહીવટી વિલંબને કારણે મળી શકેલ નહિ. ગુરૂવારે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ધારાસભ્ય લલિત કગથરા તથા જિલ્લા પંચાયતના તે વિસ્તારના સભ્ય શ્રીમતી ભાનુબેન ધીરૂભાઈ તળપદાએ આ પ્રશ્ન અસરકારક રીતે ઉઠાવતા તંત્ર દોડતુ થઈ ગયુ હતું. અસરગ્રસ્ત તમામ પરિવારોના ચેક તૈયાર થઈ ગયા છે. તેમને એકદમ ટૂંક સમયમાં મળવા પાત્ર સહાય મળી જશે. પરિવાર દીઠ સરેરાશ રૂ. ૩૮૦૦ મળી શકશે તેમ વહીવટી તંત્રનું કહેવુ છે.

સામાન્ય સભા ઉપરાંત સભા પુરી થયા બાદ શ્રી કગથરા અને ધીરૂભાઈ તળપદાએ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા સમક્ષ આ બાબતે અસરકારક રજૂઆત કરેલ. વિકાસ અધિકારીએ તે જ દિવસે સહાય ચૂકવણીની સત્તા તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરતા તાલુકા વિકાસ અધિકારી નૈમિષ ગણાત્રાએ બીજા દિવસે એટલે કે ગઈકાલે વહેલી સવારથી જ આ અંગેના પેપર વર્ક માટે તાલુકા પંચાયત કચેરીમાં ટીમ કામે લગાડેલ. અધિકારીઓ અને કર્મચારીઓની પરિશ્રમપૂર્ણ ઝડપી કામગીરીના કારણે અસરગ્રસ્તોને સહાય મળવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. ટી.ડી.ઓ. શ્રી ગણાત્રા, એ.ટી.ડી.ઓ. શ્રી નીતિન સરવૈયા, શ્રી પઠાણ, શ્રી ભટ્ટ, શ્રી તેરૈયા, આર.જે. જાની વગેરેની ગઈકાલની કામગીરીને તળપદા દંપતિએ બિરદાવી આભારની  લાગણી  વ્યકત  કરી   છે.

(10:21 am IST)