Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

સુરેન્દ્રનગર :ખરીફ પાકોના બિયારણની ખરીદી માટે ખેડૂતો માટે માર્ગદર્શીકા

બિયારણના ૩૧૭, ખાતરના ૧૧૦ તેમજ જંતુનાશક દવાના ૨૯ સેમ્પલ લઇ ગુણવત્તાની ચકાસણી લેબોરેટરીમાં મોકલાયા

સુરેન્‍દ્રનગર:નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો ઉપરાંત બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી ન કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી તેમજ વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જોઈએ.નાયબ ખેતી નિયામકની કચેરી મારફત ગુણવત્તા નિયંત્રણ અંતર્ગત જુદા જુદા તાલુકા માંથી એપ્રિલ- મે ૨૦૨૩ દરમિયાન  બિયારણના ૩૧૭, ખાતરના ૧૧૦ તેમજ જંતુનાશક દવાના ૨૯ સેમ્પલ લઇ ગુણવત્તાની ચકાસણી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા  તેમ યાદીમાં જણાવાયું  છે.

(12:53 am IST)