Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જૂનાગઢમાં પ્રાચીન જગન્નાથજી મંદિરે છપ્પન ભોગ દર્શન માટે ભાવિકો ઉમટયા

જૂનાગઢ તા.૭ : પુરાણ પ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે જન્માષ્ટમીના દિવસે યોજાયેલા ૫૬ ભોગ દર્શનનો લાભ લેવા માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ.

જગન્નાથજી મંદિરે જન્માષ્ટમીની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના ઉપક્રમે જન્માષ્ટમી નિમિતે ૫૬ ભોગ અન્નકુટ દર્શન યોજાયો હતો. જેમાં ભાવિકોએ ભગવાન સમક્ષ ધરાયેલા ૫૬ ભોગ દર્શનનો સવારથી રાત સુધી ભાવભેર ધર્મલાભ લીધો હતો.

મહોત્સવને સફળ બનાવવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના નવનીતભાઇ શાહ, રાજુભાઇ પરમાર, વીરેનભાઇ શાહ, મીથુન, પી.ટી.પરમાર, જનકભાઇ પુરોહિત, હિતેશભાઇ શાસ્ત્રી સહિતના આયોજકોએ ૫૬ ભોગ મનોરથને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

જન્માષ્ટમી ફલોટ સ્પર્ધામાં હાટકેશ યુવક મંડળ પ્રથમ

જન્માષ્ટમીની વિશિષ્ટ ઉજવણી માટે હાટકેશ યુવક મંડળે આ વર્ષે પણ ફલોટ સુશોભન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.

હાટકેશ યુવક મંડળ દ્વારા પરંપરાગત હાટકેશ મંદિર પાસે ભગવાન શ્રીકૃષ્ણ પ્રાગટય અને દેવકી માતાજીના જેલવાસ અને બાળક્રિષ્ણને વરસતા વરસાદે કંસના કારાવાસમાંથી લઇ જતા વાસુદેવનું દ્રશ્ય આબેહુબ ઉભુ કર્યુ હતુ. ભારે જહેમતથી બનાવેલા આ ફલોટના ભાવિકોએ ભાવવિભોર થઇ દર્શન કરેલ હતા. આઠમની રાત્રે હાટકેશ યુવક મંડળ દ્વારા કૃષ્ણ પ્રાગટય ઉત્સવ અને મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા.

જન્માષ્ટમી ફલોટ સુશોભન સ્પર્ધા અનુરૂપ મયારામ આશ્રમ ખાતે હરી ઁ ગૃપ દ્વારા યોજાયેલા ઇનામ મહોત્સવમાં હાટકેશ યુવક મંડળના ફલોટને આ વર્ષે પણ પસંદ કરી રોકડ પુરસ્કાર તથા શિલ્ડ એનાયત કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા હાટકેશ યુવક મંડળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

તાજુશ્શરીઆના ચહેલુમ શરીફ નિમિતે જલ્સા

જૂનાગઢ મસ્જીદે રઝામાં તા.૯ને રવિવારે રાત્રે ઇશાંની નમાઝ બાદથી રાત્રે ૧૨ વાગ્યા સુધી અમીરૂમ મોઅમેનીન હઝરત સૈયદના ફારૂકે આમ્જ રદીઅલ્લાહો તઆલા અન્હો તથા અમીરૂલ મોઅમેનીન હઝરત ઉસ્માને ગની રદીઅલ્લાહો તઆલા અન્હોની યૌમે શહાદત તેમજ સર્વોચ્ચ સુન્નીઓના વડા તાજુશ્શરીયાહ હઝરત અલ્લામાં મુફતી મોહંમદ અખ્તર રઝાખાન સાહબ રહમતુલ્લાહી તઆલા અલયહના ચહેલુમ શરીફ પર તેમને ખીરાજે અકીદત પેશ કરવા માટે શાનદાર જલ્સાનું આયોજન પીરે તરીકત, ગુલઝારે મિલ્લત, હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ સાહેબ નુરી (સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવિય્યાહ જૂનાગઢ)ના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ છે.

જલ્સામાં ખલીફએ હુઝુર તાજુશ્શરીઆ મૌલાના સુલેમાન સાહબ બરકાતી જામનગર હાજરી આપી શાનદાર તકરીર ફરમાવશે. તથા બુલબુલે બાગે મદીના કારી નિયાઝ એહમદ સાહેબ તેમના મધુર કંઠે નાતે રસુલ તથા મનકબત પેશ કરશે. આ જલ્સામાં દારૂલ ઉલૂમ અન્વારે મુસ્તફાના મુફતી હઝરત મૌલાના હસીબુર્રહમાન સાહેબ, સૈયદ સાજીદ બાપુ તેમજ જૂનાગઢ શહેરના ઉલમાએ કિરામ, સાદાતે એઝામ ખાસ હાજરી આપશે. સલાતો સલામ અને દુઆ બાદ આમન્યાઝનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ જલ્સામાં સર્વે મુસ્લિમ બિરાદરોને બહોળી સંખ્યામાં હાજરી આપવા આશીકાને હુઝુર તાજુશ્શરીઆ એકેડેમીની યાદી જણાવે છે.

કારડીયા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન

કારડીયા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન, સમાજ રત્નોનું સન્માન અને નિવૃતિ સન્માનનો કાર્યક્રમ તા.૯ને રવિવારે સાંજે ૪ કલાકે સરદારપટેલ સભાગૃહ, ઓડીટોરીયમ પાછળ ગેઇટ નં.ર જૂનાગઢ કૃષિ યુનિ. મોતીબાગ, જૂનાગઢ ખાતે કર્ણાટકના મહામહિમ રાજયપાલશ્રી વજુભાઇ વાળા સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે.

શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા નોંધાયેલા સભ્યોના લો.કે.જી. થી લઇને કોલેજ સુધીના કુલ ૮૯ શિલ્ડ તેમજ ૧૬૫ જેટલા ઇનામો આપીને વિદ્યાર્થી ભાઇ બહેનોને સમાજના આગેવાનો દ્વારા સન્માનીત કરવામાં આવશે.

વડોદરા રેન્જના આઇજીપી અભયસિંહ ચુડાસમા, બોટાદના જીલ્લા પોલીસ વડા, સજજનસિંહ પરમાર, હિતેશભાઇ ઝણકાટ, શ્રીમતી સરયુબા ઝણકાટ, શ્રીમતી આસ્થાબા સોલંકી તમામ ડે.કલેકટર તથા કુ.ડો.અવનીબા મોરી, ડે. ડાયરેકટર ઉ.મા. અને મા.શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, ચંદ્રેશભાઇ હેરમા, સભ્ય એકઝીકયુટીવ કાઉન્સીલ, ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢ, માવશિભાઇ બારડ, રાષ્ટ્રીય વિજેતા, એથ્લેટીકસ સીનીયર સીટીઝનનું વિશિષ્ટ સન્માન કરવામાં આવનાર છે.

અતિથિ વિશેષ તરીકે જશાભાઇ બારડ, લક્ષ્મણભાઇ પરમાર, ગોવિંદભાઇ પરમાર, કાળાભાઇ ઝાલા, ધીરસિંહભાઇ બારડ, શૈલેન્દ્રસિંહ રાઠોડ, લક્ષ્મણભાઇ યાદવ, મેરામણભાઇ યાદવ, જેસીંગભાઇ ડોડીયા ઉપસ્થિત રહેનાર છે.

નિવૃતિ સન્માન અંતર્ગત એ.વી.બારડ, પ્રિન્સીપાલ, એગ્રી યુનિ. કે.ડી.પરમાર, ડીવાયએસપી, ભરતભાઇ પરમાર, ઇજનેર, વનવિભાગ, પ્રવિણસિંહ પરમાર, લાખાભાઇ ડોડીયા, જગમાલભાઇ ડોડીયા, રાયમલભાઇ રાઠોડ, ઉષાબેન પરમાર સેવા નિવૃતિ થતા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે તેમજ ઓમ વિદ્યા સંકુલ જૂનાગઢની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે.

યુવા સંઘ અને મહિલા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવની તૈયારીની ચર્ચા કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો, કારોબારી સમિતિ, સલાહકાર સમિતિ તેમજ યુવા ટીમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે.

તેજસ્વી છાત્ર સન્માન

સત્યમ સુવા યુવક મંડળ દ્વારા તા.૯ને રવિવારે ૨૦ મો સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન ગિરનાર રોડ, મયારામદાસજી આશ્રમ ખાતે સાંજે ૪ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં એક જ મંચ ઉપરથી જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ૬૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવશે.

ધો. ૮ થી ૧૨ના ૧ થી પ નંબરના વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરાશે. દાતાઓના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મેડલ સહિતની ૪૫ થી વધુ વસ્તુઓ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે. ઉદઘાટન રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસીડન્ટ યોગેશભાઇ પાઠક મુંબઇ કરશે.સન્માન સમારંભના અધ્યક્ષસ્થાને મેયરશ્રી આદ્યશકિતબેન મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, આસી. કમિશ્નર ચીફ ઇન્ટેલીજન્સના શ્રી ગઢવી, પીજીવીસીએલના પી.એન.માજકીયા, ગીરીશભાઇ કોટેચા, ડીન મેડીકલ કોલેજના સુરેશભાઇ રાઠોડ, આઇ.વી.ચૌધરી, જેલ સુપ્રીટેન્ડન્ટ પ્રવિણાબેન ચોકસી, ઉદ્યોગપતિ વગેરે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદભાઇ મારડીયા, શાંતાબેન, કમલેશભાઇ પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

કૃષિ વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે ચાર્જ સંભાળતા ડો.પટેલ

કૃષિ યુનિવર્સીટી ખાતે નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ તરીકે ફરજ બજાવતા ડો.પી.વી.પટેલને તેમની ઉમદા કામગીરીને ધ્યાને લઇને કુલપતિ ડો.એ.આર.પાઠકે તેઓને વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકેની વધારાની કામગીરી સોંપી છે.

તેઓના નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ તરીકે ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓએ વિદ્યાર્થીઓના સ્કીલથી માંડીને સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરેલ અને તેમાં સફળતા પણ મેળવેલ. જેના પરિણામ રૂપે પ્લેસમેન્ટમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ યુનિ.માંથી પસંદગી પામેલ છે. આ ઉપરાંત તેમણે અનેકવિધ પ્રવૃતિઓ, તાલીમ, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સેમીનારોમાં પણ યોગદાન આપેલ છે. તેમની કામગીરીની રાજય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લઇને તેઓને એવોર્ડોથી નવાજવામાં આવેલ છે.

ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ જણાવ્યું કે, આપણો મુખ્ય ઉદ્દેશ ખેડુતોને છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી ભલામણ મળી રહે અને તેઓ તેને અપનાવતા થાય તે રહેશે.

બાલભવન દ્વારા બાલનાટયસ્પર્ધા - ૨૦૧૮

મહેશ અજમેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત બાલભવન દ્વારા બાળકોની આંતરિક શકિતઓને જાગૃત કરવા અને વિકસાવવા પ્રોત્સાહિત કરવા, સંસ્થા દ્વારા બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવા જ પ્રયાસના ભાગરૂપે ચાલુ વર્ષે તા.૯ના રોજ તક્ષશિલા સ્કુલ, દાતાર મંઝીલ, જૂનાગઢ ખાતે બાલનાટય સ્પર્ધા ૨૦૧૮નુ બપોરે ૩ કલાકે આયોજન કરવામાં આવેલ છે.

સ્પર્ધામાં ધો.૩ થી ૯ માં અભ્યાસ કરતા ૧૦૦ થી વધારે બાળકો ભાગ લેનાર છે. દરેક સ્કુલના સંચાલકો દ્વારા આ માટેના નાટકો તૈયાર કરાવી પ્રયાસો, પ્રેકટીસ પણ ચાલુ થઇ ગયેલ છે. આ માટે જૂનાગઢની આઠ ગણમાન્ય સ્કુલો દ્વારા નાટકો રજૂ થનાર છે. દરેક સ્કુલ સંચાલકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાલભવન પરિવાર દ્વારા અપીલ કરી છે. સ્પર્ધાની વિશેષ માહિતી માટે મો. ૯૮૭૯૨ ૦૦૭૮૬ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

પ્રગતિશીલ ખેડૂત મહિલાનો ૩ દિવસીય તાલીમ યોજાયો

કૃષિ યુનિ.ના સરદાર સ્મૃતિ કેન્દ્ર જૂનાગઢ ખાતે આત્મા યોજના અંતર્ગત તાપી જીલ્લાના વ્યારા, ડોલવણ, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુન્ડા તાલુકાની ખેડુત મહિલાની ૩ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમમાં ડો.એ.એમ.પારખીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિ. જૂનાગઢએ આ પ્રાસંગિક વકતવ્યમાં જણાવેલ કે, વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવાથી ઓછા ખર્ચમાં વધુ દૂધ ઉત્પાદન અને વધુ આર્થિક ઉપાર્જન મેળવી શકાય છે. આ ઉપરાંત બાળકોનો મનોવૈજ્ઞાનિક રીતે ઉછેર કરવા પર ભાર મૂકયો હતો. આ તાલીમવર્ગમાં દુધાળા પશુઓની માવજત, સામાન્ય રોગો અને તેનો ઇલાજ, પોષક આહાર, આરોગ્ય અને સ્વચ્છતાનું માનવજીવનમાં મુલ્ય, મહિલા સશકિતકરણ, ચોમાસું શાકભાજીની વૈજ્ઞાનિક ઢબે ખેતી, વર્મીકમ્પોસ્ટ, ફળ અને શાકભાજીનું પરીક્ષણ અને બેકરીની વાનગીની બનાવટ વગેરેની માહિતી અપાયેલ. કૃષિ યુનિ.ના જૂદા જૂદા વિભાગોની સ્થળ મુલાકાત પણ કરાયેલ હતી. આ કાર્યક્રમમાં કુલ ૫૬ ખેડુત મહિલાઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

તાલીમ કાર્યક્રમમાં ડો.જી.આર.ગોહિલ, પ્રો.વી.જી.બારડ અને પ્રો.ડી.એસ.ઠાકર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા સરદાર સ્મૃતિ કેન્દ્રના સમગ્ર સ્ટાફ અને આત્મા પ્રોજેકટ, તાપીના રાકેશભાઇ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્યાંગોને મિઠાઇ વિતરણ

કેશોદ પરગણામાં સર્વ શિક્ષા અભિયાનમાં કામ કરતા આઇ.ઇ.ડી વિભાગના કર્મચારીઓએ જન્માષ્ટમીએ ચાંદીગઢમાં રહેતા ગરીબ પરિવારના દિવ્યાંગ બાળકોને મિઠાઇ વિતરણ કરી હતી. વિશિષ્ટ બાળકોને ભાવતી મિઠાઇ આપી ખુશ કર્યા હતા.(૪૫.૪)

(12:30 pm IST)