Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પોરબંદરના ઇન્દ્રેશ્વર તથા રાણાવાવના બીલેશ્વર અને જડેશ્વર મંદિરે ૩ દિવસના અમાસના મેળા

પોરબંદર તા.૭: અહી જૂની દિવાંદાંડી સામે દરિયાકાંઠે પ્રાચીન ઇન્દ્રેશ્વર મંદિરે સ્વૈચ્છક રીતે અમાસનો મેળો તેમજ રાણાવાવના બીલેશ્વર અને જડેશ્વર, મંદિર પાસે ૩ દિવસીય અમાસના મેળાનો પ્રારંભ થયો છે.

બીલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણવદ ૧૩ થી ત્રણ દિવસનો અમાસના મેળામાં રાત્રીના ભજન અને દુહાની રમઝટ બોલશે. બીલેશ્વર મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થયો છે.

સોમનાથ મંદિર ઉપર મહમદ ગઝનીએ હુમલો કર્યા બાદ બીલેશ્વર મંદિર ઉપર વિધર્મીઓ દ્વારા હુમલા થયેલ તેવા સમયે બીલેશ્વર મહાદેવ સામે પોઠિયાની અંદર સંખ્યાબંધ ભમરા નીકળી પડતા હુમલો કરનારાને ભાગવું પડ્યુ હતુ. બીલેશ્વર લીંગ તોડવા થયેલ પ્રયાસથી લીંગ ખંડિત છે જે આજે પણ જોઇ શકાય.

બીલેશ્વર મહાદેવ મંદિરે શ્રીકૃષ્ણએ ૧૦૦૮ કમળપુજા કરી હતી. જેમાં એક નેત્ર ધરતા પોતાના નેત્ર કમળની પુજા કરી હતી અને સુદર્શન ચક્ર પ્રાપ્ત કરેલ હતું આ પવિત્ર સ્થળે પાંડવો આવ્યા હતા. જે સ્થળે  ગંગાજી હોય ત્યા પાંડવો રહે છે

ત્યારે અહીં અર્જુનને જમીનમાં બાણ મારીને ગંગાજી પ્રગટ કર્યા હતા. જેથી બિલગંગા નદી કહેવાય છે બીલેશ્વર મેળાનો છેલ્લા દિવસે મહાઆરતી બાદ મેળો પૂર્ણ થાય છે.

બિલેશ્વર મંદિરે પોરબંદર અને જામનગર સ્ટેટ સમયથી ૨ અખંડ દિવા ઝળહળે છે.

રાણાવાવ સ્ટેશન પ્લોટ નજીક અમરદળ જડેશ્વર મંદિરે અમાસના મેળામાં માનવ મેદની વધતી જાય છે. અહી બે મંદિરો છે જેમાં પ્રાચીન અને અર્વાચીન શિવલીંગ છે નજીકમાં જાંબુવનની પ્રાચીન ગુફા તથા ડુંગર ઉપર ભતવારી માતાનું મંદિર છે.

(12:21 pm IST)