Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

એડવેન્ચર સફારી ટૂર માટે આફ્રિકા - અમેરિકા જવું નહિ પડે : સાસણ - ગીર બનશે હોટસ્પોટ

ગીર, એશિયાટિક સિંહોની એકમાત્ર વસાહત હવે વિશાળ ગ્રાસલેન્ડ બનવા જઇ રહ્યું છે

અમદાવાદ તા. ૬ : જે લોકોને હર્યાભર્યા જંગલ અને તેમાં ફરતા જંગલી પ્રાણીઓ વચ્ચે એડવેન્ચર ટ્રીપ કરવી હોય તે મોટાભાગના લોકોના મોઢે પહેલું નામ આફ્રિકા અને બીજુ નામ અમેરિકા-કેનેડાના પૈરીસીસનું આવે છે. તમે પણ ડિસ્કવરીમાં ઉંચા ઉંચા ઘાસ વચ્ચે સિંહને શિકાર કરતા જોઈ રોમાંચિત થઈ બોલી ઉઠતા હશો કે એકવાર આપણે પણ આ સફારી પાર્કની મુલાકાત કરવી છે. પરંતુ હવે આ માટે તમારે ખોટા ખર્ચા કરીને વિદેશ જવાની જરુર નથી. ગીર, એશિયાટિક સિંહોની એકમાત્ર વસાહત હવે વિશાળ ગ્રાસલેન્ડ બનવા જઈ રહ્યું છે. વનવિભાગ પાછલા કેટલાક વર્ષથી સતત ઉજ્જળ થઈ ગયેલી આ જમીન પર મોટાપાયે ઘાસ ઉગાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને હવે તેમાં સફળતા મળતી પણ જોવા મળે છે. જેના કારણે આ હર્યુંભર્યું જંગલ ટુરિસ્ટોને તો આકર્ષિત કરશે પણ સાથે સાથે આ જંગલની ઈકોસિસ્ટમ માટે પણ અતિમહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

જંગલમાં ઘાસચારાની જમીન વધતા હરણ સહિતાના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધશે જે સિંહો માટે પણ શિકારની સહુલિયત બનતા ગામમાં શિકાર માટે સિંહોના આવી જવાની ઘટના ઓછી થશે. વનવિભાગના આંકડા જણાવે છે કે પાછલા ૩૦ વર્ષમાં આ વિસ્તારમાં પ્રતિ હેકટર જમીને ૬૪.૪ લાખ કિગ્રા ઘાસ ઉગતું હતું જે પાછલા ૩ વર્ષમાં ૨૮૫ ટકા જેટલું વધીને ૨૦૧૭-૧૮ માટે પ્રતિ હેકટર ૧૮૦ લાખ કિગ્રા થઈ ગયું છે. તેમાં પણ સિંહોના કુદરતી રહેઠાણ એવા જુનાગઢ અને ભાવનાગર રેન્જના જંગલોમાં આ વધારો જોવા મળ્યો છે.

જુનાગઢ સર્કલના ફોરેસ્ટ અધિકારી ચીફ કન્ઝર્વેટર એ.કે. મહેતાએ કહ્યું કે, 'ગીરમાં એ ક્ષમતા છે કે તે ભારતનું પ્રખ્યાત ગ્રાસલેન્ડ જંગલ બની શકે છે. આ વિસ્તારમાં જમીન સૌફી બેસ્ટ કવોલિટીનું ઘાસ પેદા કરે છે. પથરાળ જમીન હોવાથી ખેતીની બહુ શકયતા નથી પણ ઉત્તમ કવોલિટીનું અને ઊંચુ ઘાસ જરૂર અહીં ઉગી શકે છે.' આ વિસ્તારમાં ઘાસનું વધુ પ્રમાણ સિંહોનું ખોરાક માટે પરિવ્રજન અટકાવશે. તેમજ દુકાળગ્રસ્ત વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓ માટે આ ઘાસ ઉપયોગી થશે.

ઉલ્લેખનીય છે કે રાજયામાં ૩૨,૫૯૬ હેકટરમાં ૮૨ અનામત ગોચર જમીન છે જેમાંથી ૨૦૧૫-૧૬માં ઘાસ ઉત્પાદન છતા અન્ય રાજયોમાંથી એક કરોડ કિગ્રા ઘાસ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પશુઓના ખોરાક માટે ખરીદવું પડ્યું હતું. જયારે બિનઅનામત ગોચર જમીનમાં ઉગેલા ઘાસ હરરાજી દ્વાર વેંચવામાં આવે છે. ફોરેસ્ટ વિભાગે અહીં ૩૦૦ હેકટર જમીનમાં ચોમાસા બાદ પણ ઘાસ ઉગાડવા વિસ્તારમાં આવેલ કુવાઓની મદદથી ઇરીગેશન પધ્ધતી દ્વારા પ્રતિ હેકટર ૧૦૦૦૦ કિગ્રા ઘાસ ઉગાડવાનું શરુ કર્યું છે. જેને વનવિભાગ દ્વારા ખાસ વ્હેરહાઉસમાં સ્ટોર કરવામાં આવે છે.

(11:53 am IST)