Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઉનામાં જિલ્લા શિક્ષણાધિકારીના ચેકિંગ બાદ મંજુરી વિનાની શાળાને તાળાઃ ૧ લાખનો દંડ

ઉના, તા. ૬ :. મંજુરી વગર ચાલતી નોન ગ્રાન્ટેડ પ્રિઝમ સાયન્સ ઝોન નામની શાળામાં જીલ્લા શિક્ષણ અધિકારીએ ચેકીંગ કરી બોગસ શાળા નિકળતા ૧ લાખ રૂપિયાનો દંડ કરી શાળા બંધ કરી વિદ્યાર્થીઓને ફી પરત આપવા હુકમ કરતા ફફડાટ ફેલાયો છે.

શહેરમાં ઉન્નતનગર સોસાયટીમાં પટેલ બોર્ડીંગના બિલ્ડીંગમાં પ્રિઝમ સાયન્સ ઝોન નામની ખાનગી નોન ગ્રાન્ટેડ મંજુરી વગરની શાળા ચાલતી હતી. જેમાં ધો. ૧ થી ૧૦ તથા ૧૧ સાયન્સના વર્ગોમાં વિદ્યાર્થીઓને ઉંચી ફી લઈ ભણાવતા હતા. આ અંગે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને ફરીયાદ મળતા જીલ્લા શિક્ષણ અધિકારી મયુરભાઈ એસ. પારેખ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ.એન. દાફડા તથા ટીમે ચેકીંગ કરતા આ શાળાએ કોઈ પણ મંજુરી મેળવ્યા વગર ધો. થી ૧ થી ૧૦ તથા ૧૧ સાયન્સ પ્રવાહમાં વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટીફીકેટ મેળવી પ્રવેશ આપી, રેગ્યુલર શાળામાં અભ્યાસ કરાવતા હતા. આધાર પુરાવા માંગતા ન આપતા અને સરકારની મંજુરી વિના પ્રમાણપત્ર વગર ચલાવતા હોય વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ લેતા તથા ૯ જેટલા શિક્ષકોને નજીવા પગારથી નોકરીએ રાખી બાળકોને ભણાવતા હતા. પ્રથમ સંચાલકોએ ટયુશન કલાસ ચલાવીએ છીએ તેવુ નિવેદન આપેલ પરંતુ ત્યાર બાદ મંજુરી ન હોવાનું સ્વીકારતા તેમજ શાળાના કાર્યાલયમાં વિદ્યાર્થીઓના ઓરીજનલ એલ.સી. શાળા રજીસ્ટર, જાહેરાતના ચોપાનીયા, પ્રવેશ ફોર્મ મળી આવેલ હતા તેથી કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૧ લાખ રૂપિયાનો દંડ ગેરકાયદેસર શાળા ચલાવવા બદલ ફટકારેલ. શિક્ષણ અધિનિયમ, વિનિમય જોગવાઈ સરેઆમ ભંગ કરેલ હોય બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરેલ હોય તેવી નોટીસ આપતા તા. ૫-૭-૧૮ના સંચાલકોએ દંડ કચેરીમાં ભરેલ છે. તેમજ સંચાલકોને કડક સૂચના આપી હતી કે, ધો. ૧ થી ૧૧ સુધીના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીને રૂબરૂ બોલાવી તેમની પાસેથી લીધેલ ફી તથા ઓરીજીનલ લીવીંગ સર્ટીફીકેટ પરત આપી કચેરીને જાણ કરવી તથા જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેને ઉના શહેરમાં ચાલતી નોન ગ્રાન્ટેડ શાળામાં સરકાર માન્ય શાળામાં દાખલ કરવા તથા શાળા બંધ કરવા આદેશ આપેલ છે અને વાલીઓમાં જાગૃતતા લાવી તથા સરકારશ્રીએ ગુજરાત માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માન્યતા પત્ર જાહેરમાં પ્રદર્શિત કરવા સૂચના આપી છે.

જીલ્લા શિક્ષણ અધિકારી મયુરભાઈ પારેખે વિદ્યાર્થીના વાલીઓને સૂચના આપી છે કે, પોતાના બાળકોના નોન ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લેવા જાય ત્યારે મંજુરીના પ્રમાણપત્ર તથા શાળા નોંધણી સરકારમાં કરી છે કે કેમ ? તેની યોગ્ય તપાસ કરવી, શંકા જાય તો જીલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવો.

હાલ તો શિક્ષણ સત્ર શરૂ થઈ ગયુ છે. આ પ્રિઝમ સાયન્સ ઝોનમાં ભણતા ધો. ૧ થી ૯ તથા ધો. ૧૦, ધો. ૧૧ ઉચ્ચત્તર માધ્યમિકના વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તો તેના ભવિષ્યનું શું ? જ્યાં સુધીમાં બીજી સ્કૂલમાં એડમિશન ન મળે, સંચાલક ફી પરત ન કરે ત્યાં સુધી અભ્યાસનું શું ? તે પ્રશ્નો વાલીને મુંઝવે છે.

(11:42 am IST)