Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભાવનગરમાં રસ્તા ઉપર ગેરકાયદે મંદિરો-દેરીઓ દુર કરતુ કોર્પોરેશન તંત્ર

ભાવનગર, તા., ૫: ભાવનગર શહેરમાં રોડ પહોળા બનાવવા રસ્તા ઉપર દબાણો હોય તેને અગાઉ નોટીસો આપવામાં આવેલ પરંતુ  દબાણો હટયા નહતા.

શહેરનાં શિવાજી સર્કલથી અકવાડી સુધી સિકસલેન રોડનું કામ લાંબા સમયથી હાથ ધરાયું છે પરંતુ ઘોઘા રોડ ઉપર શીતળા માતાનું મંદિર અને આજુબાજુની અન્ય દેરીઓને કારણે રોડની કામગીરી ધીમી પડી છે. જો કે સાતમ-આઠમના તહેવાર બાદ મંદિર અન્યત્ર ખસેડી દેવાની ખાત્રી આપવામાં  આવતા તંત્રે ત્યાર બાદ કામગીરી કરવાનું નક્કી કર્યુ હતું.

દરમ્યાન ઘોઘારોડ ઉપર રોડ ઉપર ગેરકાયદે મંદિર બનાવી તેમાં ખોડીયાર માતાજીની મુર્તિ સ્થાનીક કરાઇ હતી. ત્યાં મોડી રાત્રે મ્યુ. એસ્ટેટ વિભાગે ઓપરેશન ડીમોલીશન હાથ ધરી મંદિરનું દબાણ હટાવ્યું હતું.

આ ઉપરાંત મ્યુ. એસ્ટેટ વિભાગને શહરેના નીલમબાગ પાસે દેવુબાગમાં પટણી પ્લાઝા સામે ફોર લેન રોડમાં અવરોધરૂપ બનેલ હનુમાનજીની દેરી પણ મોડી રાત્રે પાડવામાં આવી છે. રાત્રે મ્યુ. એસ્ટેટ વિભાગે ડીમોલીશન કર્યા બાદ સવારે લોકોના ટોળા એકઠા થયા હતા અને થોડીવાર માટે ચક્કાજામ કર્યુ હતું.

આ અંગે મ્યુ. એસ્ટેટ વિભાગનાં અધિકારીના જણાવ્યા મુજબ ગેરકાયદે દબાણ અંગે અગાઉ અનેકવાર વિનવણી કરી સહયોગ માંગ્યો હતો. પરંતુ રોડનાં વિકાસકામમાં આ દબાણો નડતરરૂપ હોય તેને દુર કરવા પડયા છે.

(11:37 am IST)