Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

ટ્રેકરને ફાડી ખાનાર સિંહનો ગુસ્સો શાંત થતાં હવે કેઝમાં

ટ્રાન્કિવલાઇઝર ગનનો ઉપયોગ ન કરવો પડ્યો : સુરક્ષાના કારણોસર ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને બંને સિંહોને જીવનભર પાંજરામાં કેદ રાખવા ફરજ પડશે

અમદાવાદ,તા. ૧ : જૂનાગઢ ખાતે સાસણ નજીક દેવળીયા પાર્કમાં ગુરૃવારે વનકર્મીઓ પર હુમલો કરનાર ગૌતમ અને ગૌરવ નામના નરભક્ષી સિંહોને બે કલાકે ટ્રાન્ક્વિલાઈઝર ગનના ઉપયોગ વગર આખરે પાંજરે પૂરવામાં આવ્યા હતા. બંને સિંહો કોઇપણ જાતની મહેનત કે બળજબરી તેમ જ ટ્રાન્ક્વિલાઇઝર ગનના ઉપયોગ વિના આપોઆપ પાંજરામાં આવી જતાં તંત્રના અધિકારીઓએ પણ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, દેવળીયા પાર્કમાં હુમલામાં ટ્રેકરને બન્ને સિંહોએ ફાડી ખાતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વનકર્મીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ સલામતી અને સુરક્ષાના કારણોસર ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને આ બંને સિંહોને જીવનભર પાંજરામાં કેદ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગુરૃવારે ટ્રેકર સહિતની કર્મચારીઓ પર આ બંને સિંહો દ્વારા હુમલાની ઘટના બાદ બપોરે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ, વેટરનરી ડોક્ટર અને અનુભવી ટ્રેકર્સોની મદદથી ૧૫ સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી અને બંને સિંહોનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. દેવળીયામાં પ્રવાસીઓની અવર-જવર બંધ થાય અને સિંહો પોતાના પાંજરામાં ચાલ્યા જાય તે માટે દેવળિયા પાર્ક બંધ કરવામાં આવ્યું હતું. જો કે, બપોરની ઘટના બાદ સાંજ સુધીમાં સિંહોનો ગુસ્સો શાંત થયો હતો. બાદમાં વન વિભાગે ટ્રેકર રજનીભાઇની લાશ કબ્જે કરી હતી. સિંહોએ સ્થળ નજીકથી ઉઠી ધીમે ધીમે તેમનાં પાંજરા તરફ ચાલવા લાગતા વનવિભાગની ટીમ બંને સિંહો પર ચાંપતી નજર રાખી બેઠી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં બંને સિંહો પોતાનાં પાંજરામાં ચાલ્યા જતા ટ્રાન્ક્વિલાઈઝર ગનના ઉપયોગ વગર અને અન્ય કોઇ મથામણ વગર સિંહો પાંજરામાં આવી જતા વન વિભાગની ટીમે હાંશકારો અનુભવ્યો હતો. દેવળિયા સફારી પાર્ક એક પ્રકારનું ઝૂ જ છે. આથી તેમાં જંગલનાં સિંહો નહીં પરંતુ જૂનાગઢનાં સક્કરબાગ ઝૂનાં બે સિંહો ગૌરવ અને ગૌતમને ત્રણ વર્ષ પહેલાં અહીં લાવવામાં આવ્યા હતા. પરંતુ ઘટના બાદ બંનેને ફરી ક્યારેય પાર્કમાં ન છોડવા અને આજીવન કેદમાં જ રાખવાનો હુકમ ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને કર્યો છે. ગુરૃવારે રાત્રે બંને સિંહો પાંજરામાં આવતા બીજા દિવસથી દેવળીયા પાર્ક પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું છે. જો કે, બંને સિંહો પાંજરે પૂરાતાં સિંહપ્રેમીઓમાં થોડીઘણી દુઃખની લાગણી જોવા મળી રહી છે. તંત્રના દાવા મુજબ, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.

(8:40 pm IST)