Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

૨૪ કલાક બાદ વરસાદનો વિસ્તાર બદલાશેઃ હવે ગુજરાત તરફ પ્રયાણ કરશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨૧મી જુલાઈ સુધીની આગાહી : હવે કચ્છ અને મધ્ય ગુજરાતમાં મેઘો જમાવટ કરે તેવી સંભાવના : ૨૨મીથી વરસાદનું પ્રમાણ ઓછુ થઈ જશે

રાજકોટ, તા. ૧૮ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પાણી - પાણી કર્યા બાદ હવે વરસાદ ગુજરાત તરફ પ્રયાણ કરે તેવી શકયતા છે. ૨૪ કલાક બાદ વરસાદનો વિસ્તાર બદલાશે. હવે બાકી રહી ગયેલા કચ્છ અને મધ્ય ગુજરાતમાં મેઘો જમાવટ કરે તેવી સંભાવના છે. ૨૨મીથી વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

ગત આગાહી ૧૯મી સુધી આપેલી જે લંબાવતા હવે ૨૧મી સુધીની આગાહી કરતા જણાવ્યુ છે કે મુખ્યત્વે ૩.૧ કિ.મી.ની લેવલનું અપરએર સાયકલોનીક સરકયુલેશન આટલા દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કયારેક અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રને લાગુ ગુજરાત ઉપર સક્રિય રહ્યુ હતું જે હજુ બે દિવસ રહેશે.

બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ્સ હાલ પૂર્વ એમ.પી. આસપાસ પહોંચ્યુ છે. તેને અનુસંગીક સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ના લેવલ સુધી છે.

જયારે ચોમાસુ ધરી હાલ બિકાનેર, અજમેર, શિવપુર અને ત્યાંથી લોપ્રેશર સિસ્ટમ્સ અને ત્યાંથી બાલાસોર થઈને નોર્થ આંદામાનના દરિયા સુધી છે જે દોઢ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

અરબી સમુદ્રને લાગુ અપરએર સાયકલોનીક સરકયુલેશન સૌરાષ્ટ્ર ઉપર છે જે હજુ બે દિવસ આ વિસ્તારમાં રહેશે. સાથોસાથ પૂર્વ એમપીના સિસ્ટમ્સ રાજસ્થાન તરફ આગળ વધતા આ સિસ્ટમ્સ નોર્થ વેસ્ટ એમપી સુધી આવશે ત્યારે અરબી અને સૌરાષ્ટ્રવાળુ તેમજ એક બહોળુ સરકયુલેશન છવાશે.

૨૨મીથી વરસાદનું જોર ઘટી જશે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો અને અમદાવાદમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ૨૧મી સુધીમાં ઉકત વિસ્તારો અને કચ્છમાં પણ વરસાદની સંભાવના હોવાનું અશોકભાઈએ ઉમેર્યુ છે.

(3:46 pm IST)