Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

જીલ્લા નિરીક્ષકો તરીકે જસવંતસિંહ ભટ્ટી અર્જુન ખાટરીયા, સોરા, ડાંગર, રાઠોડ વરાયા

પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વરણીમાં હાથ ઉપર રહ્યો

રાજકોટ, તા. ૨૬ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમિત ચાવડાના આદેશાનુસાર સૌરાષ્ટ્રમાં ઝોન પ્રભારી જીલ્લા નિરીક્ષકો તથા જનમિત્ર કો-ઓર્ડીનેટરની વરણી જાહેર કરાઈ હતી. નવી નિમણૂકોની તજવીજ હાથ ધરાતા જ જુથબંધી અને અસંતોેષના ફુંફાડાએ દેખા દીધી હતી પરંતુ અંતે આજે વરણીએ સત્તાવાર રીતે જાહેર કરાઈ હતી. વરણીનું લીસ્ટ જોતા સ્પષ્ટ નજરે પડે છે કે પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જુથનો હાથ ઉપર રહ્યાનું કહેવાય છે.

ઝોન પ્રભારી, જીલ્લા નિરીક્ષકો અને જનમિત્ર કો-ઓર્ડીનેટરમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ ઝોન અને કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને જામનગર ઝોનમાં રાજકોટ શહેરના અર્ધો ડઝન આગેવાનોને મહત્વની જવાબદારી સુપ્રત કરાઈ છે.

રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી (બાપુડીયા), જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયા, લઘુમતી અગ્રણી રહીમ સોરા, દિનેશ ડાંગર તથા પૂર્વ તા. પંચાયત પ્રમુખ મનોજ રાઠોડની વરણી થઈ છે.

આ ઉપરાંત જનમિત્ર કો-ઓર્ડિનેટર તરીકે પિયુષ મહેતાને દેવભૂમી દ્વારા હરદેવસિંહ જાડેજા, (અગાભી પીપળીયા)ને કચ્છ, યુવા કોંગ્રેસ અગ્રણી રાજદીપસિંહ જાડેજાને મોરબી જીલ્લાની જવાબદારી સોંપાઈ છે. આશ્ચર્યજનક કાર્યક્રમોના પ્રણેતા જસવંતસિંહ ભટ્ટી કોંગ્રેસથી થોડા નારાજ હતા પરંતુ હવે પોરબંદર જીલ્લાની જવાબદારી સુપ્રત થતા તેઓ ફરી પૂર્વવત કાર્યરત થઈ જશે તેમ મનાય છે.

(3:55 pm IST)