Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડુતોને અનેક સમસ્યા

પાક વિમો-ખેત પેદાશ-અત્યાચાર-ટેકાના ભાવો-દેણું સહિતના મુદ્દે કલેકટરને જીલ્લા કોંગ્રેસનું આવેદન

રાજકોટ જીલ્લા કોંગ્રેસ કમીટીએ કલેકટર તંત્રને ખેડૂતોના અનેક પ્રશ્ને આવેદનપત્ર આપ્યું અને દેખાવો કર્યા ત્યારની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૬: રાજકોટ જીલ્લા કોંગ્રેસ કમીટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવી-સુત્રોચ્ચાર દેખાવો યોજી ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓના તાકીદે નિવારણ અંગે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

આવેદનમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ખેડુતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ એટલી રોજીંદગી અને સામાન્ય બની ગઇ છે કે હવે તેની ગંભીરતાથી નોંધ પણ લેવાતી નથી. આ સંજોગોમાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ ખેડૂતોના પ્રશ્નો અંગે ગુજરાત સરકારનું ધ્યાન દોરવા અને તે અંગે તાકીદે પગલા લેવાય તે માટે આપને વિનંતી કરે છે.

આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, ખેડૂતોને પુરતી સુવિધા જરૂરી છે, છેલ્લાં બે દાયકાથી માંડ ૬ થી ૮ કલાક માટે અને તે પણ અગવડભર્યા સમયે વીજળી આપવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, ઉદ્યોગપતિઓને અત્યંત સરળતાથી પૂરતાં પ્રમાણમાંો વીજળી પૂરી પાડવામાં આવે છે. બે લાખ અરજીઓ પેન્ડીંગ છે. આ ઉપરાંત ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી, મોંઘુ ખાતર, ખાતર ઉપર વેટ, મોંઘુ બિયારણ તેમજ મોંઘી જંતુનાશક દવાઓની પરિસ્થિતિમાં ખેતપેદાશોની પડતર ઘણી ઉંચી થાય છે. ખેડૂતોએ ના છૂટકે લોન લેવી પડે છે. ત્યાર પછી પણ ખેડૂતોને ખેતપેદાશનું પૂરતું વળતર નહીં મળવાની સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો દેવાના ખપ્પરમાં ડૂબી રહ્યાં છે તથા અત્યંત દુઃખદ બાબતરૂપે, ભૂતકાળની કોંગ્રેસની સરકારોના શાસનમાં સ્થાપવામાં આવેલા કારખાનાઓ દ્વારા જ વર્તમાન સરકાર ખાતરનું વિતરણ કરી રહી છે. છેલ્લાં બે-અઢી દાયકામાં ખાતરના એક પણ નવા કરખાનાની સ્થાપના થઇ નથી. એટલું જ નહીં પરંતુ ખાતરના ઉત્પાદન પર પણ રાજય સરકાર દ્વારા વેરા લાદવામાં આવી રહ્યાં છે. રાજય સરકાર દ્વારા ખાતર ઉપર નાંખવામાં આવતાં વેરા નાબુદ કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળે તેમ છે.

આ ઉપરાંત ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા, તુવેરમાં ટેકાના ભાવો વધારવા, પાક વિમાની તાકિદે ચૂકવણી કરવી, વ્યાજબી ભાવે બિયારણ-ખાતર-જંતુનાશક દવાઓ આપવા, ખેડુતો ઉપરના અત્યાચાર બંધ કરવા માંગણીક રાઇ હતી.

આવેદનપત્ર દેવામાં અર્જુનભાઇ ખાટરીયા, શૈલેષ કપુરીયા, ચંદ્રભાઇ વિગલેરે જોડાયા હતા.

(2:50 pm IST)