Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પ્રથમ તબક્કામાં થતી કેન્‍સરની સારવાર ખૂબ જ અસરકારક નિવડે : ડો. ખ્‍યાતી વસાવડા

એપ્રિલ મહિનો મોઢા તથા ગળાના કેન્‍સર જાગૃતતા માટે અગત્‍યનો મહિનો

રાજકોટ તા. ૧૭ : રાજકોટ કેન્‍સર સોસાયટી(નાથાલાલ પારેખ કેન્‍સર હોસ્‍પિટલ)ના મેડીકલ ડાયરેકટર તથા મોઢા તથા ગળાના કેન્‍સરના નિષ્‍ણાંત ડો.ખ્‍યાતી વસાવડા એ જણાવેલ હતુ કે એપ્રીલ મહિનો એ મોઢા તથા ગળાના કેન્‍સર પ્રત્‍યે જાગૃતતા લાવવાનો મહિનો છે.આ નિમીતે રાજકોટ કેન્‍સર સોસાયટી એક એવી અપીલ કરે છે કે આ મોઢા તથા ગળાના કેન્‍સરને શરૂઆતના તબકકામાં જ હરાવી દઈએ.તેના માટે સમયસર તપાસ અને સપોટ નિદાન આવશ્‍યક છે.

કેન્‍સરના પ્રથમ તબકકાના લક્ષણો જેવા કે હોઠ,જીભ,ગાલ,તાળવા કે જડબાનું ન રૂઝાતું ચાંદું ,ચાંદામાંથી લોહી નિકળવુ,જીભ ચોંટી જવી,ચાંદા પર બળતરા અને દુઃખાવો થવો, મોઢુ ઓછું ખુલવું, ગળામાં ગાંઠ દેખાવી વગેરે લક્ષણો દેખાય તો તાત્‍કાલીક સારવાર કરાવી ખુબ જ જરૂરી છે.

આ મોઢા તથા ગળાના કેન્‍સર જાગૃતીની  થીમ છે 'Close The Care Gap' અને આ થીમ અંતર્ગત અમો રાજકોટ કેન્‍સર સોસાયટી લોકો સુધી એ માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે આ મોઢા તથા ગળાના કેન્‍સરની ખુબ જ સારી રીતે સારવાર કરી શકાય છે જેના માટે સમાજમાં જાગૃતિ લાવવી તથા સમાજમાં રહેલી કેન્‍સર પ્રત્‍યેની ગેર માન્‍યતાઓ દુર કરીએ તો આવા દર્દીઓને તાત્‍કાલીક સારવાર આપવાથી પ્રથમ તબકકાના કેન્‍સર વાળા દર્દીઓ માંથી ૯૦ થી ૯પ % દર્દીઓ સારવાર બાદ સામાન્‍ય જીવન જીવી શકે છે.

આવા જ એક ૪૦ વર્ષીય પુરૂષ દર્દી રાજકોટ કેન્‍સર સોસાયટી ખાતે સારવાર માટે આવેલ હતા. આ દર્દીની તપાસ દરમ્‍યાન પ્રથમ તબકકાનું મોઢા તથા ગળાનું કેન્‍સર માલુમ થયુ હતુ. જેમાં દર્દીને મોં ના ગલોફાના ભાગમાં ચાંદુ હતુ તેનુ ઓપરેશન કરી ફકત દાંતનો કેન્‍સરયુકત ભાગ દુર કરી અને પ્‍લાસ્‍ટીક સર્જરી કરવામાં આવેલ હતી.આ પ્‍લાસ્‍ટીક સર્જરીના કારણે દર્દીના ચહેરા પર નહિવત ફેરફાર થયેલ હતો. અને સામાન્‍ય ચહેરા જેવો જ ચહેરો પ્‍લાસ્‍ટીક સર્જરીથી કરવામાં આવેલ હતો.

આ પ્રકારના નિદાનમાં મોં અને ગરદનની તબીબી તપાસનો સમાવેશ થાય છે.પરિક્ષણમાં પેશી અથવા કોષોની બાયોપ્‍સી અને એકસ-રે, એમ.આર.આઈ, સીટી સ્‍કેન અથવા અલ્‍ટ્રાસાઉન્‍ડનો જેવા આધુનિક સાધનોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત નવી ટેકનોલોજીનો પણ ખુબ જ મહત્‍વનો ફાળો છે જેમાં નિદાન માટે ફ્રોઝન બાયોપ્‍સી અને સારવાર માટે કોમ્‍પ્‍યુટરાઈઝડ 3D જડબાનું મોડલ અને માઈક્રોવાસ્‍કયુલર ફલેપ નો સમાવેશ થાય છે.આ પ્રકારના દર્દીઓ કે જેને પ્રથમ તબકકાના કેન્‍સરની સચોટ તપાસ અને સમયસર નિદાન કરવામાં આવે છે ત્‍યારબાદ ઓપરેશનમાંથી રિકવરી માત્ર ૧પ દિવસમાં આવે છે અને આવા કેન્‍સરના દર્દીઓ સામાન્‍ય રીતે ખોરાક લઈ શકે છે અને રોજીંદા કાર્યો પણ કરી શકે છે.

ડો.ખ્‍યાતી વસાવડાએ જણાવેલ કે જો વહેલુ નિદાન અને સારવાર થાય તો કેન્‍સર સાઘ્‍ય છે અને તમામ પ્રકારના વ્‍યશનોથી દુર રહેવાથી લગભગ પ૦ %  મોં તથા ગળાના કેન્‍સરથી બચી શકાય છે.

(3:14 pm IST)