Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

હમ નહિ સુધરેંગે... જેલમાંથી છૂટતાવેંત આકાશ ઉર્ફ મરચાએ હાથીખાનામાં ચિલઝડપ કરીઃ પકડાયો

સાગ્રીત ફારૂક સાથે બાઇક પર નીકળી બંગાળી યુવાનનો ૧૦ હજારનો મોબાઇલ ખેંચી ભાગ્યાઃ પણ પબ્લીકે પકડી લીધા મરચો અગાઉ ૨૫થી વધુ ચિલઝડપ કરી ચુકયો છે

રાજકોટ તા. ૨૦: અગાઉ ૨૫ થી ૩૦ કરતાં વધુ ચિલઝડપ, લૂંટના ગુનામાં સંડોવાઇ ચુકેલા અને પકડાઇ ચુકેલા નામીચા આકાશ ઉર્ફ મરચો હરિભાઇ બાબરીયા (રહે. મનહરપરા-૭)એ સાગ્રીત ફારૂક નોૈશાદભાઇ શેખ (રહે. રામનથપરા-૩) સાથે મળી હાથાખાના રોડ પરથી રૂ. ૧૦ હજારના મોબાઇલની ચિલઝડપ કરતાં બંનેને લોકોએ પકડી લઇ પોલીસને સોંપ્યા છે. 'હમ નહિ સુધરેંગે' એવા સુત્રને જાણે જીવનમાં ઉતારી લીધુ હોય તેમ આકાશ ઉર્ફ મરચો ગઇકાલે જ જેલમાંથી બહાર આવ્યો હતો અને આવતાની સાથે જ લખણ ઝળકાવ્યા હતાં.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે હાથીખાના-૩ વોંકળા પાસે રહેતાં મુળ પશ્ચિમ બંગાળના આસુડા ગામના અબ્બાસ અસગરભાઇ શેખ (ઉ.૨૮)ની ફરિયાદ પરથી આકાશ અને ફારૂક સામે આઇપીસી ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

અબ્બાસના કહેવા મુજબ પોતે સોની બજારમાં સોની કામ કરે છે. રાત્રે સવા દસેક વાગ્યે પોતે કામેથી છુટી શાકભાજી ખરીદી   ઇયરફોનથી મોબાઇલમાં ગીતો સાંભળતો સાંભળતો ઘર તરફ જતો હતો ત્યારે હાથીખાના ડો. ભીંડીના દવાખાના પાસે પહોંચ્યો ત્યારે બાઇક પર બે શખ્સ આવ્યા હતાં અને હાથમાંથી ઓપ્પો કંપનીનો રૂ. ૧૦ હજારનો મોબાઇલ ખેંચીને ભાગ્યા હતાં. તેણે બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને બંને ચિલઝડપકારના બાઇકને પકડી લઇ પોલીસને જાણ કરી હતી.

પોલીસે આકાશ અને ફારૂક પાસેથી જીજે૧જેપી-૮૦૮૮ નંબરનું બાઇક તથા મોબાઇલ ફોન કબ્જે લીધા છે. પીઆઇ એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે. એ. જાડેજા અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.  આકાશ ઉર્ફ મરચાએ અગાઉ શકિત ઉર્ફ ટબુડી સાથે મળી ચોરી કરી હતી. આ ગુનામાં તે જેલમાં હતો અને ગઇકાલે જ જેલમાંથી છૂટ્યો હતો. એ સાથે જ ફરીથી ચિલઝડપ કરી હતી. જો કે આ વખતે રંગેહાથ પકડાઇ ગયો હતો. (૧૪.૬)

 

(11:41 am IST)