Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

તમાકુ આતંકવાદીઓ કરતા પણ વધુ ખતરનાક : રામજીભાઇ માવાણી

વર્લ્ડ નો ટોબેકો દિવસે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશેષ છણાવટ : 'ત'મારી અને 'મા'રી 'કુ'ટેવો એટલે તમાકુ - ડો. કમલ પરીખ

રાજકોટ તા. ૩૧ : વિશ્વભરમાં ૩૧ મે ના 'વર્લ્ડ નો ટોબેકો ડે' ની ઉજવણી કરવામ)ં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જયારે ૭ એપ્રિલે 'વર્લ્ડ નો સ્મોકીંગ ડે' ઉજવવામાં આવે છે. આજે વર્લ્ડ નો ટોબેકો દિવસ નિમિતે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પત્રકાર પરીષદ યોજી મીડીયાના માધ્યમથી આ રોગની ગંભીરતા અંગે લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો હતો.

પરીષદને સંબોધતા માજી સાંસદ રામજીભાઇ માવણીએ જણાવેલ કે તમાકુ આતંકવાદી કરતા પણ વધુ ખતરનાક છે. દર્દી તો ખતમ થાય છે પરંતુ સાથે તેનો આખો પરિવાર પણ આર્થીક રીતે ખતમ થઇ જાય છે. લોકો બીડી, સીગારેટ, તમાકુ છોડે તે માટે હજુ ખુબ જનજાગૃતિની જરૂર છે. રાજકોટ, જામનગર અને અમદાવાદને તમાકુ મુકત બનાવવા અમોએ સંકલ્પ કર્યો છે. આ દિશામાં પુરતા પ્રયાસો ચાલુ છે.

ડો. કમલ પરિખે જણાવેલ કે મોટેભાગે જાહેરમાં ધુમ્રપાન ન કરો એવા બોર્ડ ટીંગાતા હોય છે. પણ જાહેરમાં જ પ્રતિબંધ શા માટે ધુમ્રપાન કયારેય ન કરો તેવી સુચનાઓ લગાવવી જરૂરી છે. તમાકુ એટલે 'ત'મારી અને 'મા'રી 'કુ'ટેવ. ખાસ કરીને યુવાધનમાં તમાકુનું વ્યસન ખુબ જોવા મળે છે તે ચિંતાજનક છે. આવા વ્યસનથી લોકોની સરેરાશ આયુષ્યમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક સર્વે મુજબ ૫૦ થી ૬૦ વર્ષ પછી હાર્ટ એટેકની ફરીયાદો જોવા મળતી તે હવે ૩૦ થી ૩૫ વર્ષની યુવા વયે જોવા મળવા લાગી છે. લોકોએ જાતે જ સાવધાન થવાની જરૂર છે.

ન્યાયમુર્તિ શ્રી એન. એમ. ધારાણી તેમજ ડો. વી. કે. ગુપ્તાએ પણ પરીષદ સંબોધી તમાકુ, સીગારેટ જેવા વ્યસનોથી લોકોએ દુર રહેવા અને પોતાના પરિવારને સાવધ કરવા અપીલ કરી હતી.

આ તકે કેન્સરના કેટલાક દર્દીઓને પણ ઉપસ્થિત રાખી તેમની વ્યથા વરણવવાની તક અપાઇ હતી.

દરમિયાન હાલ વિશ્વમાં ૧.૩ મીલીયન લોકો તમાકુનું સેવન કરે છે અને તેમાથી ૧૦ લોકો તમાકુ ઉત્પાદનથી મૃત્યુ પામે છે. તેવી આંકડાકીય માહીતી પણ રજુ કરાઇ હતી. આ પત્રકાર પરીષદમાં ન્યાયમુર્તિ શ્રી એન. એમ. ધારાણી, મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, જિલ્લા કલેકટર  રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની, કેન્સર હોસ્પિટલના ડાયરેકટર ડો. વી. કે. ગુપ્તાને નિમંત્રિત કરાયા હતા.

તસ્વીરમાં ડાયસ ઉપર માજી સાંસદ રામજીભાઇ માવાણી, માજી સાંસદ રમાબેન માવાણી, ન્યાયમુર્તિ એન. એમ. ધારાણી, ડો. વી. કે. ગુપ્તા, ડો. કમલ પરીખ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાઠોડ, અશોકભાઇ કોયાણી, એસ. એમ. ઉદાણી, શ્રી ગગલાણી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:01 pm IST)