Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વૈશાલીનગરના નિલેષભાઇ સોનીનું ૭ાા લાખનું સોનુ મીલપરાનો ભાવીન પારેખ ઓળવી ગયો

દોઢેક વર્ષ પહેલા ઓળખાણ થતાં નફામાં ભાગીદારી આપશે તેવી વાતો કરી'તીઃ સોનુ ઉપરાંત ૬૫ હજાર રોકડા પણ ચાંઉ કરી ગયો : એક તો ઠગાઇ કરી ને માથે જતાં લોકદરબારમાં વ્‍યાજખોરીની ફરિયાદ કરવા પહોંચ્‍યો!

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતાં અને સોની બજારમાં ઓફિસ રાખી સોનાના દાગીનાનો વેપાર કરતાં નિલેષભાઇ જયંતિભાઇ કુંભાણી (ઉ.૪૧) નામના સોની યુવાન સાથે મિલપરાના ભાવીન ભરતભાઇ પારેખ નામના સોની શખ્‍સે છેતરપીંડી કરી રૂા. ૭ાા લાખનું સોનુ અને ૬૫ હજાર રોકડા ઓળવી લેતાં  ફરિયાદ દાખલ થઇ છે.

એ-ડિવીઝન પોલીસે નિલેષભાઇ લુંભાણીની ફરિયાદ પરથી ભાવીન પારેખ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્‍યો છે. નિલેષભાઇના કહેવા મુજબ તે સોની બજાર ગઢની રાંગ પાસે રાજશિલ્‍પા કોમ્‍પલેક્ષમાં દુકાન નં. ૩૧૦માં બેસી વેપાર કરે છે. દોઢ-બે વર્ષ પહેલા સોની જ્ઞાતિના જ ભાવીન પારેખ બજારમાં આવ-જા કરતાં હોવાથી પરિચય થતાં તેણે રૂબરૂ આવીને કહ્યું હતું કે તેની પાસે પુષ્‍કળ કામ છે, પણ સોનાની ઘટ પડે છે. નફો પણ ખુબ છે તમે સોનુ આપો તો નફામાં તમારો અડધો અડધ ભાગ આપીશ. તેવી વાત કરતાં પહેલી વખત ૭૦ ગ્રામ સોનુ આપ્‍યુ હતું. આ સોનુ વિજયભાઇ પાટડીયા પાસેથી અપાવ્‍યું હતું.

એ પછી આજથી ચારેક મહિના પહેલા ભાવીન ફરીથી આવેલ અને ૯૦ ગ્રામ સોનાની ઘટ હોવાની વાત કરતાં ફરીથી વિજયભાઇ પાટડીયા પાસેથી સોનુ અપાવ્‍યું હતું. અલગ-અલગ સમયે કુલ ૨૪૦ ગ્રામ સોનુ આપ્‍યું હતું. આ સોનામાં નફો થતાં ભાવીને ચાર વખત ૧૮-૧૮ ગ્રામ મળી ૭૨ ગ્રામ સોનુ પરત આપતાં તેના પર વિશ્વાસ બેઠો હતો. એ પછી તે ફરીથી આવ્‍યો હતો અને વેપારીનું સોનુ ખોવાઇ ગયું છે તાત્‍કાલીક ૭૦ ગ્રામની જરૂર છે તેમ કહી ૭૦ ગ્રામ સોનુ લઇ ગયો હતો અને રોકડાની પણ જરૂર છે તેમ જણાવી રૂા. ૬૫ હજાર લઇ ગયો હતો.

આ રીતે તે કુલ ૨૩૮ ગ્રામ સોનુ (કિંમત રૂા. ૭ાા લાખ)નું કટકે-કટકે લઇ ગયો હતો અને ૬૫ હજાર પણ લઇ ગયો હતો. આ સોનુ કે રકમ આજ સુધી પાછા આપ્‍યા નથી. ઉઘરાણી કરતાં તે કહેતો કે મારું મકાન વેંચાઇ જાય એટલે આપીશ. પણ મકાન વેંચાઇ ગયા પછી પણ સોનુ કે રકમ આપતો ન હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે.

એ-ડિવીઝનના પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિલેષભાઇએ એમ પણ જણાવ્‍યું હતું કે એક તો મારી પાસેથી લાખોનું સોનુ અને રોકડા લઇ ગયો અને માથા જતાં મેં તેને વ્‍યાજે આ સોનુ અને રકમ આપ્‍યા છે તેવું કહી વ્‍યાજખોરો વિરૂધ્‍ધના પોલીસના લોક દરબારમાં મારા વિરૂધ્‍ધ અરજી કરવા પણ પહોંચી ગયો હતો. નાછુટકે મારે આ ફરિયાદ કરવી પડી છે.

(3:00 pm IST)