Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ જમીનમાં પછાડીને પિતાની કરી કરપીણ હત્યા

પુત્રને ફરી વલસાડ જવું હોય ઝઘડો થતા પિતાએ પુત્રના મોબાઈલનું સીમકાર્ડ તોડી નાખતા એકનાએક પુત્રએ આવેશમાં આવીને પિતાની નિર્મમ હત્યા કરી

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ગામ પાસે આવેલ કારખાનાની ઓરડીમાં પુત્રએ પિતાને જમીન પર પછાડી હત્યા નીપજાવતા તાલુકા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પુત્રને વલસાડ જવું હોય પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો.પિતાએ હત્યારા પુત્રના મોબાઈલનું સીમકાર્ડ તોડી નાખતા તે આવેશમાં આવી ગયો હતો અને આ ઝઘડામાં એકના એક પુત્રના હાથે પિતાની નિર્મમ હત્યા થવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભરૂડી પાસે આવેલ શીતલ મેટલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ભાવનગર જિલ્લાના તળાજાના પ્રવીણભાઈ મૂળજીભાઈ પટેલ (કોળી) (ઉંમર વર્ષ 60) અને તેના એકના એક પુત્ર અજય (ઉંમર વર્ષ 21 ) વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થતા ઝપાઝપી થવા પામી હતી જેમાં અજયે પિતા પ્રવિણભાઈને જમીન પર પછાડતા માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ તાલુકા પોલીસને કરાતા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધના મૃતદેહને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ દ્વારા પીએમ માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રવિણભાઈનો પુત્ર અજય શનિવારે જ ભરૂડી આવ્યો હતો અને તેને ફરી વલસાડ જવું હોય પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો. પ્રવીણભાઈ એ અજયના મોબાઈલનું સીમકાર્ડ તોડી નાખતા તે આવેશમાં આવી ગયો હતો અને આ ઝઘડામાં પુત્રના હાથે પિતાની નિર્મમ હત્યા થવા પામી હતી. પ્રવીણભાઈ ને સંતાનમાં અજય ઉપરાંત બે દીકરીઓ પણ હોય જેમાંથી એક દીકરી વલસાડ સાસરે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(11:49 pm IST)