Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મોબાઇલમાં આઇ.ડી.બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો વિશાલ બગડાઇ સાગર ચોકમાંથી પકડાયો

તાલુકા પોલીસ મથકના કોન્સ ઉમેશભાઇની બાતમીઃ કપાત લેનાર અર્જુન પોપટને પણ દબોચ્યો

રાજકોટ તા.૩૦: શહેરના બાલાજી હોલ પાછળ સાગર ચોક પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલમાં આઇ.ડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપી લીધા બાદ કપાત લેનાર શખ્શને પણ દબોચી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર તથા એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, અરજણભાઇ, વિરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશભાઇ ચાવડા, વિક્રમભાઇ લોખીલ, ચંદ્રરાજસિંહ અને રાજવીરસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાલાજી હોલ પાસે પહોંચતા સાગર ચોક પાસે એક લાલકલરનું ટી-શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સનું પેન્ટ પહેરેલ છે જે શખ્સ મોબાઇલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની કોન્સ ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે દરોડો પાડી શંકાના આધારે એક શખ્સને પકડી તેનું નામ પૂછતા પેણે પોતાનું નામ વિશાલ પ્રદિપભાઇ બગડાઇ (ઉ.વ.૨૮) (રહે.આમ્રપાલી ફાટક પાસે રામેશ્વર ચોક પાસે શ્રીજીનગર શેરી નં.૬) જણાવ્યુ હતુ. પોલીસે તેનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં એક એપ્લીકેશન તેણે ડાઉનલોડ કરેલી હતી. અને તેમાં આઇ.ડી.જોવામાં આવી હતી.તેમાં અલગ-અલગ ગ્રાહકને આઇ.ડી. આપીને આઇ.ડીમાં પોતે રોકડા પૈસા લઇને બેલેન્સ નાખીને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હોવાનું જણાતા તેને પકડી લીધો હતો.

બાદ પોલીસે વિશાલનો મોબાઇલમાં જોતે તેણે પોતાનું એકાઉન્ટ પણ ખોલ્યુ હતુ જેમાં ચેક કરતા  એકાઉન્ટમાં રૂ.૩,૫૯,૯૬૮ બેલેન્સ જોવામાં આવી હતી. બાદ તેની પાસેથી પોલીસે મોબાઇલ અને રૂ.૧૨૫૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ દરમ્યાન અર્જુન નામના શખ્સનું નામ ખુલતા પોલીસે કપાતલેનાર અર્જુન ભુપેન્દ્રભાઇ પોપટ (ઉ.વ.૩૦) (રહે.કોઠારિયા રોડ નિલકંઠ સિનેમા પાછળ) ને પકડી લીધો હતો.

(4:00 pm IST)