Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પોલીસ પરિવાર દર રવિવારે ફિલ્મની મજા માણશે કર્મચારીઓને તણાવમુકત કરવા માંગે ત્યાં ફરજ !

મહેસાણા જીલ્લા પોલીસ વડાની અનુકરણીય કામગીરીઃ રાજકોટમાં હેડ કવાર્ટર ખાતે વર્ષો પહેલા દર શુક્રવારે પીકચર શો થતો'તો !

રાજકોટ, તા. ૩૦ : સતત બંદોબસ્ત, ચેકીંગ, ટ્રાફીક ડ્રાઇવ, વીઆઇપી બંદોબસ્ત સહિત અનેકવિધ કામગીરીઓના કારણે ભારે માનસિક તણાવ અનુભવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને તણાવ મુકત કરવા રાજય સરકાર પણ ઘણા પ્રયત્નો કરતી હોય છે ત્યારે મહેસાણા જીલ્લા પોલીસ વડા મનીષસિંગે પ્રસશનીય આયોજન કર્યું છે. પોલીસ કર્મચારીઓ દર રવિવારે સહપરિવાર મનોરંજક ફિલ્મ માણશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ પોલીસ હેડ કવાર્ટર ખાતે દર શુક્રવારે ફિલ્મોનું આયોજન થતું હતું, પરંતુ વર્ષોથી આ કાર્યક્રમ બંધ છે.

આ ઉપરાંત મહેસાણા એસ.પી.એ પોલીસ કર્મચારીને પોતે ઇચ્છે ત્યાં ફરજ સોંપવાનું અભિયાન આદર્યું છે. અત્યાર સુધી ર૦૦ કર્મચારીઓને માંગણી મુજબની ફરજ સુપ્રત કરાઇ છે જેથી તેઓ માનસિક તણાવમુકત થઇ શકે.

કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં વ્યસ્ત રહેતી પોલીસ પરિવારની બરાબર દેખભાળ કરી શકતી નથી, જેના કારણે સતત તણાવમાં રહેતા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે. પોલીસને તણાવ મુકત કરવા માટે પરિવાર સાથે બેસીને દર રવિવારે ફિલ્મ જોઇ શકે તેવી વ્યવસ્થા મહેસાણા એસપી મનીષસિંગે કરી છે. બે શોમાં પત્ની અને બાળકો સાથે પોલીસ કર્મચારીઓ ફિલ્મ જોઇ શકે જેમાં પહેલા શોકમાં માતા અને બાળકો તેમજ સાંજના શોમાં પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે ફિલ્મ જોઇ શકે છે. મહેસાણા પોલીસના ઓડીટોરીયમ હોલમાં ફિલ્મ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોટીવેશનલ ફિલ્મો ખાસ બતાવવામાં આવશે.

અક્ષયકુમારની ફિલ્મ કેસરી તાજેતરમાં પોલીસ કર્મચારીઓ અને તેઓના પરિવારને બતાવવામાં આવી છે જે કર્મચારી કામગીરીમાં રોકાયા હોય અને ના આવી શકે તેઓના પત્ની અને બાળકો ફિલ્મ જોઇ શકે તેવી વ્યવસ્થા છે. ઓડિટોરિયમ હોલમાં બાળકોના ફિડિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ માટે સાત સભ્યોની કમીટીની રચના કરવામાં આવી છે. પોલીસને તણાવ મુકત કરવા માટે આઇપીએસ અધિકારી દ્વારા અન્ય આયોજન પણ કરવામાં આવ્યા છે.

(12:59 pm IST)