Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ગોંડલમાં રાજકોટના બે ભાઇઓ અને કાકા ઉપર ૪ શખ્‍સોનો પાઇપથી હુમલો

અમારા વિરૂધ્‍ધ કેમ ફરીયાદ કરી? તેમ કહી રાજકોટનો ભરત, તેનો પુત્ર ગોવીંદ, સંજય અને બાદલ તૂટી પડયા

રાજકોટ, તા., ૨૯: અમારા વિરૂધ્‍ધ પોલીસમાં કેમ ફરીયાદ કરી? તેમ કહી ગોંડલમાં રાજકોટના બે ભાઇઓ અને તેના કાકા ઉપર રાજકોટના ૪ શખ્‍સોએ પાઇપથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગોકુલધામ મેઇન રોડ, એસટી વર્કશોપ પાછળ, આંબેડકરનગરમાં રહેતા કેયુર વલ્લભભાઇ રાઠોડ તેના પરીવાર સાથે ભાડલા ભંડારીયા અને ગોંડલના રૂપાવટી ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રાજકોટ પરત ફરતા હતા ત્‍યારે ગોંડલ કોલેજ ચોકમાં રીક્ષાને આંતરી મહેન્‍દ્ર કારમાં આવેલા ભરત સુરાભાઇ નકુમ, તેનો પુત્ર ગોવીંદ, તથા બાદલ અને સંજય પુનાભાઇ નકુમ (રહે. આજી ડેમ ચોકડી, ભારતનગર-રાજકોટ)એ તે રાજકોટમાં અમારા વિરૂધ્‍ધ ફરીયાદ કેમ કરેલ છે? તેમ કહી લોખંડના અને પ્‍લાસ્‍ટીકના પાઇપ સાથે તૂટી પડતા કેયુર તથા તેના ભાઇ મહેશ અને તેના કાકા ધીરૂભાઇ પર હુમલો કરતા ત્રણેયને ઇજા થતા ગોંડલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતા. બેડલા ગામે માતાજીના મઢની જમીનમાં ભરત નકુમે કબ્‍જો કરેલ હોય તે બાબતે થયેલ ઝઘડામાં કેયુરે ભરત સહીતના સામે માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ કરતા તેનો ખાર રાખી ઉકત ચારેયે હુમલો કર્યો હતો.

આ અંગે કેયુરની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:03 pm IST)